ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે
Image:Twitter ICC
World Test Championship Final 2025: ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે તે નક્કી થવામાં હજુ સમય છે, પરંતુ આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તે નક્કી થઈ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી છે કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝનની અંતિમ મેચ 11થી 15 જૂન દરમિયાન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
આ ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે પણ રાખવામાં આવ્યો છે. આ પહેલીવાર હશે જ્યારે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા બંને ફાઈનલ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ હતી.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ મેચમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયન્શિપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ એડિશનની ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડે ખિતાબ જીત્યો હતો. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે ટાઈટલ મેચ રમાતી હોય છે. હાલમાં ભારત ટોપ પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે, ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ શકે છે.
કુલ કેટલી ટીમો ભાગ લેશે ?
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં નવ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝના નામ સામેલ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ માટે ફાઇનલમાં પહોંચવાના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય તમામ ટીમોને ફાઇનલમાં પહોંચવાની તક ખુલ્લી છે.
આ ટૂર્નામેન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019માં ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા બાદ એવું લાગી રહ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને લોકો ટેસ્ટ મેચ જોવામાં પણ રસ લઈ રહ્યાં છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, 22 વર્ષ બાદ પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ જીતી