World Cup Final Effect : અમદાવાદની હોટેલનું ભાડું રૂ. 1.5 લાખને પાર, ભારત સેમિ.માં પહોંચતા ચાહકોનો રોમાંચ આસમાને

18મીએ મુંબઇ, દિલ્હીથી અમદાવાદ આવવાનું એરફેર પણ ચાર ગણું

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
World Cup Final Effect : અમદાવાદની હોટેલનું ભાડું રૂ. 1.5 લાખને પાર, ભારત સેમિ.માં પહોંચતા ચાહકોનો રોમાંચ આસમાને 1 - image


World Cup Final Effect : ICC વન-ડે વર્લ્ડકપ-2023નો રોમાંચ હવે પરાકાષ્ઠાએ છે અને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે અન્ય કઇ 3 ટીમ સેમિફાઇનલમાં પ્રવેશશે તેનું ચિત્ર હવે આગામી દિવસમાં સ્પષ્ટ થઇ જશે. વન-ડે વર્લ્ડકપની ફાઇનલ 19મી નવેમ્બરે અમદાવાદ ખાતે યોજાવાની છે. આ અગાઉ અમદાવાદની કેટલીક હોટેલોના ભાડા રૂપિયા 1.52 લાખને પાર થઇ ગયું છે. આ ઉપરાંત અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં પણ ચાર ગણો જેટલો વધારો થવા લાગ્યો છે. 

અમદાવાદની 10 હોટેલમાં 1 રાતનું 1 લાખથી વધુ 

ICC વન-ડે વર્લ્ડકપમાં ઉદ્ઘાટન મેચ, ફાઇનલ સહિત કુલ પાંચ મેચ અમદાવાદને ફાળવવામાં આવી છે. આ પૈકી લીગ રાઉન્ડની હજુ બે મેચ ચોથી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ અને 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ બંને મુકાબલા કરતાં ક્રિકેટપ્રેમીઓની નજર ફાઇનલ પર વધુ મંડાયેલી છે. જેના ભાગરૂપે અત્યારથી જ હોટેલના ભાડા અને એરફેરમાં વધારો થવા લાગ્યો છે. એક મોબાઇલ એપ દ્વારા ફાઇનલ અગાઉ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લક્ઝુરિયસ હોટેલમાં બે રાતનું રોકાણ, ફાઇનલ માટે સ્ટેડિયમની રૂપિયા 4 હજારની ટિકિટ, બફે બ્રેકફાસ્ટનો સમાવેશ થાય છે. 18મી નવેમ્બરે ચેક ઈન-20 નવેમ્બરે ચેક આઉટ ધરાવતા આ પેકેજની કિંમત રૂપિયા 1.07 લાખથી રૂપિયા 1.93 લાખ છે.

18મીએ મુંબઇ, દિલ્હીથી અમદાવાદ આવવાનું એરફેર પણ ચાર ગણું

ફાઇનલ માટે લક્ઝુરિયસ હોટેલમાં રોકાણ કરવા માગતા હોવ તો અધધધ ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 18 નવેમ્બરથી અમદાવાદની બે હોટેલમાં એક રાતનું ભાડું રૂપિયા 1.50 લાખને પાર થઇ ગયું છે. આ સિવાય એક હોટેલનું ભાડું રૂપિયા 1 લાખ જ્યારે 15 હોટેલના ભાડા રૂપિયા 50 હજારથી 1 લાખ છે. જે હોટેલના ભાડા ફાઇનલમાં રૂપિયા રૂપિયા 1.50 લાખથી વધુ છે ત્યાં સામાન્ય દિવસોમાં ભાડું રૂપિયા 20 હજારની આસપાસ હોય છે. નવેમ્બરમાં ફાઇનલ ઉપરાંત દિવાળીની રજાઓ પણ હોવાથી અમદાવાદની હોટેલના ભાડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનલ બાદ લગ્નસરા અને ત્યારબાદ એનઆરઆઇ સિઝન પણ હોટેલના ભાડામાં આવનારા દિવસો સામાન્ય દિવસ કરતાં વધારો જોવા મળી શકે છે.  આવી જ સ્થિતિ ફાઇનલની છે. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે કે કેમ તેનો ફેંસલો 16મી નવેમ્બરના થશે. આ અગાઉ જ ફ્લાઇટના ભાડામાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-અમદાવાદ એરફેર 18 નવેમ્બરના રૂપિયા 24408 જ્યારે 19 નવેમ્બરના સવારે 20 હજાર સુધી છે. આ સિવાય અન્ય ફ્લાઇટમાંથી 18 નવેમ્બરના દિલ્હી-અમદાવાદનું મહત્તમ ભાડું રૂપિયા 23366, પૂણે -અમદાવાદનું ભાડું રૂપિયા 17 હજાર, બેંગાલુરુ-અમદાવાદનું ભાડું રૂપિયા 20875 થઇ ગયું છે. આમ, ફાઇનલ જોવા નહીં આવનારાએ પણ 18-19 નવેમ્બરના અમદાવાદ માટે તોતિંગ એરફેર ચૂકવવું પડશે.



Google NewsGoogle News