ICC વર્લ્ડકપ 2023ના આયોજનથી ભારતીય અર્થતંત્રને 11590 કરોડ રૂપિયાનો અધધધ ફાયદો થયો
ICC Cricket World Cup 2023 has benefited For Indian Economy: ઘરઆંગણે યોજાયેલા આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ સહિતની તમામ મેચ જીતીને ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જોકે ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. અલબત્ત, આઇસીસી વન ડે વર્લ્ડ કપની યજમાનીને કારણે ભારતીય અર્થતંત્રને અધધધ રૂપિયા 11,590 કરોડ (139 કરોડ ડોલર)નો ફાયદો થયો હતો. ભારતીય અર્થતંત્ર પર આર્થિક રીતે થયેલી જંગી અસર અંગેનો રિપોર્ટ ખુદ આઇસીસીએ જ રિલીઝ કર્યો છે.
ગત વર્ષે યોજાયેલા આઇસીસી વન ડે વર્લ્ડ કપથી વિવિધ ઉદ્યોગ ક્ષેત્રો પર થયેલી અસરનું મૂલ્યાંકન ન્યૂયોર્ક સ્થિત નેલ્સન એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકન વન ડે વર્લ્ડ કપ 2023ના યજમાન બીસીસીઆઇ તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાને આધારે કરવામાં આવ્યું છે. આઇસીસીના ચીફ એક્ઝિક્યુટીવ જ્યોફ ઓલાર્ડિચે કહ્યું કે, આઇસીસી મેન્સ વન ડે વર્લ્ડ કપ ક્રિકેટની રમતની અત્યંત પ્રભાવશાળી આર્થિક શક્તિને દર્શાવે છે. આ વર્લ્ડકપને કારણે ભારતને 139 કરોડ ડોલરનો આર્થિક લાભ થયો હતો. અલબત્ત, આઇસીસીના રિપોર્ટમાં એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી નહતી કે, તેમણે રજુ કરેલા આંકડા એ વાસ્તવિક આવક છે કે નહીં.
પ્રવાસન ક્ષેત્રની રૂા. 7,233 કરોડ આવક વધી
આઇસીસીનો રિપોર્ટ જણાવે છે કે, વન ડે વર્લ્ડ કપની મેચીસની યજમાની ધરાવતા શહેરોમાં પ્રવાસન ક્ષેત્રને અંદાજે રૂપિયા 7,233 કરોડ રૂપિયા (86.14 કરોડ ડોલર)નો ફાયદો થયો હતો. મેચ જોવા માટે આવતા દેશી-વિદેશી પ્રવાસીઓએ રહેવા-જમવાથી માંડીને પ્રવાસન, પરિવહનનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત વધારાના ખર્ચા 51.57 કરોડ ડોલરના (આશરે 4330 કરોડ રૂપિયા) રહ્યા હતા.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ માટે જાહેર કરી ટીમ, આ દિગ્ગજ ખેલાડીને કર્યો બહાર
વર્લ્ડ કપને 12.5 લાખ પ્રેક્ષકોએ નિહાળ્યો
ભારતની ભૂમિ પર ગત વર્ષે યોજાયેલા આઇસીસી વર્લ્ડ કપને રેકોર્ડ બ્રેકિંગ 12.5 લાખ પ્રેક્ષકોએ નિહાળ્યો હતો. આ પ્રેક્ષકોમાંથી 75 ટકા એવા હતા, કે જેમણે પહેલીવાર આઇસીસી વન ડે વર્લ્ડ કપની મેચ પહેલીવાર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારતમાં વર્લ્ડ કપની મેચ જોવા આવનારા વિદેશીઓમાં 55 ટકા એવા હતા કે, જેઓ અગાઉ નિયમિતપણે ભારતમાં મેચ જોવા માટે આવતા રહ્યા હતા. જ્યારે 19 ટકા વિદેશી ચાહકો એવા હતા કે જેઓ પહેલીવાર વન ડે વર્લ્ડ કપની મેચ જોવા માટે ભારત આવ્યા હતા.
વિદેશીઓની 2,361 કરોડની આર્થિક અસર
ભારતમાં ગત વર્ષે આઇસીસી વર્લ્ડ કપ નિહાળવા માટે આવેલા વિદેશી પ્રવાસીઓ દેશના પર્યટનના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમના થકી ભારતીય અર્થતંત્ર પર આશરે રૂપિયા 2,361 કરોડ (28.12 કરોડ ડોલર)ની હકારાત્મક આર્થિક અસર થઈ હતી. ભારતની મુલાકાતે આવેલા 68 ટકા પર્યટકોએ કહ્યું હતુ કે, તેઓ તેમના પરિવારજનો અને મિત્રોને ભારતની મુલાકાત લેવા માટે ભલામણ કરશે. જેનાથી ભારતની વૈશ્વિક છબી વિકાસ પામી હતી.
વર્લ્ડ કપના કારણે 48000થી વઘુ રોજગારીની તકો સર્જાઈ
આઇસીસી વન ડે વર્લ્ડ કપને કારણે 48,000થી વઘુ કાયમી કે હંગામી રોજગારીની તકો સર્જાઈ હતી. આ રોજગારીની તકો એવી હતી કે, જે સીધી જ વર્લ્ડ કપની સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત આતિથ્ય સહિતના ક્ષેત્રોમાં પણ રોજગારી સર્જાઈ હતી. આ ટુર્નામેન્ટથી રોજગારીની તકો મોટાપાયે સર્જાઈ હતી અને ભારત એક પ્રીમિયર પ્રવાસન સ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું.