વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી વિવાદિત ફાઈનલ! અંધારામાં રમાઈ હતી મેચ, ICCએ અમ્પાયરને પણ કરી દીધા હતા સસ્પેન્ડ

વર્લ્ડકપ ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, આ મેચ રવિવારે અમદાવાદમાં રમાવાની છે

ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા માંગશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી વિવાદિત ફાઈનલ! અંધારામાં રમાઈ હતી મેચ, ICCએ અમ્પાયરને પણ કરી દીધા હતા સસ્પેન્ડ 1 - image


Most controversial WORLD CUP FINAL:  2019 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું, ICC અધિકારીના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો હતો અને દરેક જગ્યાએ તેની ટીકા થઈ હતી. વર્લ્ડ કપ 2019ની ફાઈનલને એક વિવાદાસ્પદ ફાઈનલ તરીકે યાદ કરવામાં આવે છે. પરંતુ આ પહેલા 2007માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિજટાઉનમાં રમાયેલ વર્લ્ડ કપ ફાઈનલને સૌથી વિવાદાસ્પદ ફાઈનલ તરીકે યાદ કરવામાં આવે છે.

ફાઇનલમાં અન્યાય

2007 ક્રિકેટ વર્લ્ડ કપ વિવાદોથી ભરેલો હતો, ખાસ કરીને વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના કોચ બોબ વુલ્મરનું મૃત્યુ. આ સિવાય આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પહેલા જ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી જેના કારણે ક્રિકેટનો રોમાંચ જ ખતમ થઈ ગયો હતો. ભારત અને પાકિસ્તાન પ્રથમ રાઉન્ડમાં બહાર થવાને કારણે ICCને આર્થિક રીતે ઘણું નુકસાન થયું હતું. આ જ કારણ હતું કે 2007નો વર્લ્ડ કપ સૌથી ફિક્કા વર્લ્ડ કપમાંનો એક બન્યો.

2007ની સૌથી વધુ વિવાદાસ્પદ ફાઈનલ 

આ બધા સિવાય વર્લ્ડ કપ 2007ની ફાઈનલ જે રમાઈ હતી તે ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી. જેને વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી વિવાદાસ્પદ ફાઈનલ તરીકે યાદ કરવામાં આવે છે. વાસ્તવમાં, 28 એપ્રિલ 2007ના રોજ વર્લ્ડ કપની ફાઇનલ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી.વરસાદને કારણે મેચ 38 ઓવરમાં રમાઈ હતી. ગિલક્રિસ્ટની તોફાની ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં 4 વિકેટે 281 રન બનાવ્યા હતા.

આ પછી જ્યારે શ્રીલંકાની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે તેની પ્રથમ વિકેટ માત્ર 7 રનમાં પડી હતી, પરંતુ આ પછી સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારાએ મળીને 116 રનની ભાગીદારી કરી હતી. ત્રણ ઓવરમાં બંને જામી ગયેલા બેટ્સમેન આઉટ થઈ ગયા. જયસૂર્યા 63 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કુમાર સંગાકારા 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

અહીંથી ઓસ્ટ્રેલિયાએ મેચમાં પકડ જમાવી શરૂ કરી હતી. શ્રીલંકાની ઈનિંગ્સની શરૂઆત ક્ષીણ થઈ ગઈ હતી. દરમિયાન વરસાદમાં કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી. વરસાદને કારણે જ્યારે રમત બંધ થઈ ત્યારે શ્રીલંકાની 3 વિકેટ 149 રન પર પડી હતી. તે દરમિયાન શ્રીલંકાએ 24.5 ઓવર બેટિંગ કરી હતી. જયવર્દને અને ચમારા સિલ્વા ક્રીઝ પર હાજર હતા. આ પછી જ્યારે વરસાદ બંધ થયો અને મેચ ફરી શરૂ થઈ ત્યારે શ્રીલંકાને નવો ટાર્ગેટ મળ્યો.

જ્યારે અમ્પાયરે શ્રીલંકાને ખરાબ લાઈટ છતાં બેટિંગ કરવા કહ્યું હતું

વરસાદ અને ખરાબ લાઈટના કારણે અમ્પાયરો મેચ શરૂ કરી શક્યા ન હતા. પરંતુ ઘણું વિચાર્યા બાદ અમ્પાયરોએ વિવાદાસ્પદ નિર્ણય લીધો અને શ્રીલંકાને બેટિંગ કરવા કહ્યું. આ બાબતે શ્રીલંકાની ટીમ ચોંકી ઉઠી હતી. કારણ કે લાઈટ બેટિંગ માટે યોગ્ય ન હતી. ખરેખર, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ મેચ એક દિવસીય મેચ હતી. જેના કારણે ફ્લડ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં શ્રીલંકાએ ખરાબ લાઈટમાં બેટિંગ કરવી પડી હતી અને લાઈટ એટલી ખરાબ હતી કે  બેટ્સમેન બોલને સ્પષ્ટ જોઈ શકતા ન હતા. 

ખરાબ લાઈટને ધ્યાનમાં રાખીને, ઑસ્ટ્રેલિયન કેપ્ટને તે 3 ઓવર દરમિયાન સ્પિનર ​​અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સ બોલિંગ કરી હતી. અંતમાં શ્રીલંકા 36 ઓવર સુધી બેટિંગ કરવામાં સફળ રહી હતી અને 8 વિકેટે 215 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ફાઈનલ મેચ 53 રને જીતી લીધી હતી.

અમ્પાયરોના નિર્ણય પર ઉઠ્યા સવાલ, ICC એ કર્યા સસ્પેન્ડ

જ્યારે ખરાબ લાઇટને કારણે ગેમ બંધ કરવામાં આવી ત્યારે અમ્પાયર પાસે બીજા દિવસે બાકીની ત્રણ ઓવર પૂરી કરવાનો વિકલ્પ હતો. પરંતુ મેચ રેફરી જેફ ક્રોએ વિવાદાસ્પદ નિર્ણય લીધો અને શ્રીલંકાને ખરાબ લાઈટમાં બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું. વાસ્તવમાં જ્યારે છેલ્લી ત્રણ ઓવર નાખવામાં આવી રહી હતી ત્યારે મેદાન પર એટલું અંધારું હતું કે દર્શકો ખેલાડીઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. આવી સ્થિતિમાં, ICCએ આ વિવાદાસ્પદ નિર્ણય પર કાર્યવાહી કરી અને બે ઓનફિલ્ડ અમ્પાયરો, સ્ટીવ બકનર અને અલીમ ડાર, રિઝર્વ અમ્પાયર રુડી કર્ટઝેન અને બિલી બાઉડેન અને મેચ રેફરી જેફ ક્રોને આગામી ICC ઇવેન્ટ સુધી સસ્પેન્ડ કર્યા હતા.


Google NewsGoogle News