World Cup 2023 : પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવાયો, 4 લોકોની અટકાયત
પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું હતું
Image:Twitter |
World Cup 2023 PAK vs BAN : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન સ્ટેડિયમ(Palestine's Flag Waved In Eden Gardens)માં કેટલાંક દર્શકો પેલેસ્ટાઈનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને કસ્ટડીમાં લીધા હતા.
પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી
પોલીસે આપેલી માહિતી મુજબ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ગઈકાલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે પૂછપરછ બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચારેયને મેદાન પોલીસ સ્ટેશનમાં અસ્થાયી રૂપે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછ બાદ ચારેય મેદાન પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. તેઓ બેલી, ઈકબાલપોર અને કરાયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.
કસ્ટડીમાં લેતા પહેલા દર્શકોએ પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવ્યો
પોલીસે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે તેઓને ગેટ નંબર 6 અને બ્લોક G1 પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવતા કસ્ટડીમાં લીધા હતા. પહેલા તો ઈડન ગાર્ડનમાં તૈનાત પોલીસકર્મીઓ સમજી શક્યા ન હતા કે દેખાવકારો સ્ટેડિયમમાં શું કરી રહ્યા છે. પછી કસ્ટડીમાં લેતા પહેલા તેઓએ પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવ્યો હતો, પરંતુ કોઈ નારા લગાવ્યા નહોતા.' સ્ટેન્ડમાં પેલેસ્ટાઇનના ધ્વજ સાથે દર્શકોનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.