World Cup 2023 : શમી-સિરાજ પર સવાલ ઉઠાવનાર ક્રિકેટરની અકરમે ઝાટકણી કાઢી, કહ્યું- પાકિસ્તાનનું અપમાન ન કરાવો
ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું હતું
શ્રીલંકા સામે શમીએ 5 જયારે સિરાજે 3 વિકેટ ઝડપી હતી
Image:IANS |
World Cup 2023 IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ODI World Cup 2023માં રમાયેલી મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં મોહમ્મદ શમીએ 5 જયારે મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી. શમી અને સિરાજની ઘાતક બોલિંગના દમ પર ભારતીય ટીમે 302 રનથી શ્રીલંકા સામે જીત નોંધાવી હતી. ભારતીય ફાસ્ટ બોલરોના આ શાનદાર પ્રદર્શનને પાકિસ્તાનના કેટલાક લોકો પચાવી શકતા નથી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝા શ્રીલંકા સામે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
શમી અને સિરાજને આપવામાં આવતા બોલની તપાસ થવી જોઈએ- હસન રઝા
હસન રઝાએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે 'શમી અને સિરાજને આપવામાં આવતા બોલની તપાસ થવી જોઈએ. આ બંને ભારતીય ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને એન્ટીની જેટલા ખતરનાક છે. જ્યારે ભારતીય બેટ્સમેનો બેટિંગ કરે છે ત્યારે લાગે છે કે બેટિંગ પિચ છે, પરંતુ જ્યારે શમી અને સિરાજ બોલિંગ કરતા હોય છે ત્યારે બોલિંગ પિચ પર બોલિંગ કરતા હોય તેવું લાગે છે. રઝાએ આગળ કહ્યું કે શમી-સિરાજને આપવામાં આવેલા બોલની તપાસ થવી જોઈએ. મને શંકા છે. ICCએ તપાસ કરવી જોઈએ.' રઝા તેના નિવેદનને કારણે પાકિસ્તાનમાં જ ઘેરાઈ ગયા છે. વસીમ અકરમ અને રાશિદ લતીફ જેવા પૂર્વ ક્રિકેટરો(Wasim Akram And Rashid Latif Hitsback Hasan Raza)એ રઝા પર નિશાન સાધ્યું છે. અકરમે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનનું અપમાન ન કરાવો.
અમારું અપમાન તો ન કરાવો- વસીમ અકરમ
વસીમ અકરમે હસન રઝા પર નિશાન સાધતા કહ્યું કે આ મજાક જેવું લાગે છે. તમારે તમારું અપમાન તો કરાવવું જ છે, પરંતુ અમારું અપમાન તો ન કરાવો. આ ખુબ જ આસાન વસ્તુ છે. અમ્પાયર મેચ પહેલા આવે છે. તેની પાસે 12 બોલનું એક બોક્સ હોય છે. પ્રથમ બોલિંગ કરનાર ટીમ બે બોલ પસંદ કરે છે અને અમ્પાયર તેને પોતાની પાસે રાખે છે. તે 8 બોલ બીજા ડ્રેસિંગ રૂમમાં લઈ જાય છે. બેટિંગ ટીમ પણ 2 બોલ પસંદ કરે છે. અમ્પાયર આ બોલને પણ પોતાની પાસે રાખે છે.'
લતીફે સોશ્યલ મીડિયા પર શેર કર્યો વીડિયો
અકરમે આગળ કહ્યું કે, 'બોલમાં ડિવાઈસ કેવી રીતે લાગી શકે છે અને તેનાથી સ્વિંગ કેવી રીતે થશે. ભારતીય બોલરોના વખાણ કરવા જોઈએ. તેઓએ શીખ્યું છે અને પોતાની બોલિંગને વધુ ઘાતક બનાવવા અંગે તેના પર કામ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે મોહમ્મદ શમીની બોલિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું, 'મોહમ્મદ શમીની રિસ્ટ પોઝીશન અને બોલ રિલીઝ ખૂબ જ સચોટ છે, જેના કારણે તે બેસ્ટ સીમ બોલર છે. આનું અલગ-અલગ બોલ સાથે કોઈ સંબંધ નથી. આ બધું પ્રતિભા પર નિર્ભર કરે છે. આ જ પદ્ધતિ સ્વિંગ ડિલિવરીને લાગુ પડે છે.