World cup 2023 : આજે ભારત વિજયકૂચ જાળવી રાખવા સજ્જ, સાઉથ આફ્રિકા સામે ઈડન ગાર્ડનમાં ટક્કર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 90 વનડે મેચ રમાઈ છે
World Cup 2023 IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ODI World Cup 2023ની 37મી મેચ રમાશે. આ બંને ટીમો સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ચુકી છે. ODI World Cup 2023માં ભારતે તેની તમામ 7 મેચ જીતી છે જયારે સાઉથ આફ્રિકાએ 7માંથી 6 મેચ જીતી છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે.
બંને ટીમો કરી શકે છે ફેરફાર
આજે બંને ટીમો પોતાની બેંચ સ્ટ્રેન્થ પણ અજમાવી શકે છે. બંને ટીમો આજની મેચમાં પોતાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આ ટીમો એક કે બે મોટા ખેલાડીઓને આરામ આપી શકે છે. જો કે તેની શક્યતા ઓછી જણાય છે. કારણ કે બંને ટીમો પાસે સારો મોમેન્ટમ છે અને તેઓ પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરીને તે મોમેન્ટમ ગુમાવવાનું ઈચ્છશે નહીં. આવી સ્થિતિમાં બંને ટીમો તેમની બેસ્ટ પ્લેઇંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતારવા માંગે છે. જો પિચ પર વધુ ટર્ન મળવાની સંભાવના દેખાશે તો સાઉથ આફ્રિકા તબરેઝ શમ્સી અને ભારતીય ટીમ રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે.
સાઉથ આફ્રિકાનું પલડું ભારે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 90 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતને 37 મેચમાં જીત મળી છે જયારે સાઉથ આફ્રિકાની ટીમે 50 મેચ જીતી છે અને ત્રણ મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ODI World Cupમાં 5 મેચ રમાઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમે 3 જયારે ભારતે 2 મેચ જીતી છે. આજે સાઉથ આફ્રિકાને હરાવી ભારત આ આંકડો બરોબર કરવા મેદાનમાં ઉતરશે.
કેવી છે કોલકાતાની પિચ
કોલકાતાના એતિહાસિક ઈડન ગાર્ડનના મેદાન પર ODI World Cup 2023માં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં બોલર્સનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ઈડન ગાર્ડનની પિચ પર ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ બંનેને મદદ મળે છે. આ મેદાન પર છેલ્લી 9 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 7 વખત જીતી છે. જો કે આજે રાત્રે ઝાકળ પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા ચેઝ કરનાર ટીમને જીત મળવાની શક્યતા વધુ છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા
ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી