World Cup 2023 : ભારતીય ટીમે સતત ચોથી વખત પ્રથમ મેચ જીતી, વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ

ODI World Cupના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નઈમાં કોઈ મેચ હારી છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતીય ટીમે સતત ચોથી વખત પ્રથમ મેચ જીતી, વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ 1 - image
Image:IANS

IND vs AUS : ભારતીય ટીમે તેના ODI World Cup 2023ના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે સતત ચોથી વખત ODI World Cupમાં પ્રથમ મેચ જીતી હતી. ભારતે World Cup 2003ની પ્રથમ મેચમાં નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. જો કે World Cup 2007માં ભારતીય ટીમને પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે પછી ભારતે ODI World Cup 2011, 2015 અને 2019માં સતત પ્રથમ મેચ જીતી હતી. આ ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં ઘણાં બીજા રેકોર્ડ પણ બન્યા હતા.

વર્ષો બાદ ઓસ્ટ્રેલિયાને ODI World Cupની પ્રથમ મેચમાં મળી હાર

ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2003, 2007, 2011, 2015 અને 2019માં અનુક્રમે પાકિસ્તાન, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. આ પ્રથમ વખત હતું જયારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને તેની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે મળેલી હારથી ઓસ્ટ્રેલિયન ટીમની ODI World Cupમાં પ્રથમ મેચમાં જીતનો સિલસિલો તૂટી ગયો હતો.

કોહલીએ પોતાના નામે કર્યો ખાસ રેકોર્ડ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ કર્યો હતો. વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં 113 વખત 50 રનનો આંકડો પાર કરનાર પ્રથમ નોન-ઓપનર બની ગયો છે. જ્યારે આ લિસ્ટમાં કુમાર સંગાકારા બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી જેક કાલિસ ત્રીજા અને ચોથા નંબર પર છે. કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ અને જેક કાલિસે આ સિદ્ધિ અનુક્રમે 112, 109 અને 102 વખત હાંસલ કરી છે.

વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ

વિરાટ કોહલીએ બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. તે ICC ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ ICC ટૂર્નામેન્ટમાં 64 ઇનિંગ્સમાં 2,785 રન બનાવ્યા છે. જ્યારે સચિન તેંડુલકર 58 ઇનિંગ્સમાં 2719 રન સાથે બીજા નંબરે છે. આ પછી રોહિત શર્મા, યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલી છે. રોહિત શર્મા, યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલીએ ICC ટૂર્નામેન્ટમાં અનુક્રમે 2422, 1707 અને 1671 રન બનાવ્યા છે.

ચેન્નઈમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો

ODI World Cupના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નઈમાં કોઈ મેચ હારી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 1987માં ભારતને હરાવ્યું હતું. તે જ World Cupમાં ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ પછી ODI World Cup 1996માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ચેન્નઈના મેદાનમાં ટક્કર થઇ હતી. આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી. પરંતુ ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને ચેન્નઈના મેદાન પર ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નઈમાં ODI World Cupની 4 મેચ રમી ચૂકી છે. જેમાં તેણે 3માં જીત મેળવી છે જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

World Cup 2023 : ભારતીય ટીમે સતત ચોથી વખત પ્રથમ મેચ જીતી, વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News