ગઈ કાલે મોદી સ્ટેડિયમમાં કાગ઼ડા ઉડ્યા, લોકોને ફ્રી પાસ અને ફૂડ પેકેટ આપી બોલાવવા પડ્યાનો દાવો

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં નિરસતા મોદી સ્ટેડિયમમાં માંડ દોઢ હજાર પ્રેક્ષક

ખાલી સ્ટેડિયમની તસવીરો સોશિયલ મીડિયા માધ્યમથી વિશ્વભરમાં ફરી વળી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ગઈ કાલે મોદી સ્ટેડિયમમાં કાગ઼ડા ઉડ્યા, લોકોને ફ્રી પાસ અને ફૂડ પેકેટ આપી બોલાવવા પડ્યાનો દાવો 1 - image


Pictures of empty stands at Narendra Modi stadium go viral : જેની બહુ લાંબા સમયથી ક્રિકેટ ચાહકોમાં ઇંતેજારી સેવાતી હતી તે વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી વિશ્વના સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની (eng vs nz) મેચ સાથે પ્રારંભ તો થયો પણ મેચની રમત કરતા ક્રિકેટ રમતા દેશોના સોશિયલ મીડિયામાં વર્લ્ડ કપનો જે સાવ નિરસ અને ફિક્કો પ્રારંભ થયો તે પોસ્ટ જ અગણિત સંખ્યામાં વહેતી થઈ હતી.

આયોજકોએ સ્ટેડિયમમાં પ્રવેશ માટે ફ્રી એન્ટ્રી પાસની લહાણી કરી પછી મોડી સાંજથી વધુ પ્રેક્ષકો દેખાયા

1.35 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં જયારે ક્રિકેટ લેજન્ડ તેંડુલકરે વર્લ્ડ કપ ટ્રોફી લોંચ કરી અને ટોસ થયો ત્યારે દોઢ- બે હજાર પ્રેક્ષકો પણ નહોતા.આવી સ્થિતિ મોડી સાંજ સુધી જારી રહી હતી તે દરમ્યાન તો ફેસબુક, ટવીટર અને ઇન્સ્ટાગ્રામથી સાવ ખાલી સ્ટેડિયમની તસવીરો વિશ્વભરમાં ફરી વળી હતી. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટના ચહેરા પણ સાવ પાંખી હાજરીથી નિસ્તેજ બની ગયા. વર્ષમાં એકાદ બે IPLની મેચ વખતે એકાદ લાખ પ્રેક્ષકોની હાજરી જોઈ આયોજકો અને ચાહકો હરખાય પણ પ્રેક્ષકોની રીતે આજના જેવી સ્થિતિ હોય ત્યારે આ જ વિશાળ સ્ટેડિયમ ફલોપ શોને વધુ ઉજાગર કરતું હોય છે.

ભાજપના કાર્યકરો, મહિલા સભ્યોને પરિવાર દીઠ ચાર-પાંચ એન્ટ્રી પાસ મળ્યાના અહેવાલ 

જો કે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ગુજરાત ક્રિકેટ એસોસિએશને અગાઉથી રીપોર્ટ મળી જ ગયા હતા કે સ્ટેડિયમમાં આબરૂ જાય તે હદે કાગડા ઉડવાના છે તેથી ભાજપના કાર્યકરો, મહિલા સભ્યોને પરિવાર દીઠ ચાર-પાંચ એન્ટ્રી પાસ અને ફુડ કૂપન આપવામાં આવ્યા હતા. તો પણ તેમાંથી કોઈ ફરકયું નહોતું. અમુક વિસ્તારોમાં ઘેર ઘેર આ એન્ટ્રી વિતરણ માટે કાર્યકરો ફરતા હતા. મોડી સાંજથી રાત્રિ સુધીમાં આવા 15000 જેટલા પ્રેક્ષકો સ્ટેડિયમમાં જોઈ શકાતા. સ્ટેડિયમ એ હદે ખાલી હતું કે ટીવી પ્રસારણ દરમ્યાન સ્ટેડિયમમાં જયાં કેટલાક પ્રેક્ષકો બેઠા હતા ત્યાં જ કેમેરો વારંવાર મંડાતો હતો. ખાલી સ્ટેડિયમ દેખાય નહીં તેમ કવરેજમાં તકેદારી રાખવામાં આવતી હોય તેવું પણ લાગ્યું. આશા રાખીએ કે વર્લ્ડ કપ જેમ જેમ આગળ ધપે તેમ ચાહકોનો મેચ જોવા આવવાનો ઉત્સાહમાં વધારો થતો જાય.

ગઈ કાલે મોદી સ્ટેડિયમમાં કાગ઼ડા ઉડ્યા, લોકોને ફ્રી પાસ અને ફૂડ પેકેટ આપી બોલાવવા પડ્યાનો દાવો 2 - image

ચાહકોનો રોષ : જવાબદારોએ સ્પષ્ટતા કરવી જોઈએ

સોશિયલ મીડિયા 'એક્સ' કે જે અગાઉ ટિવટરથી જાણીતું હતું તેમાં ક્રિકેટ ચાહકોએ 'bookmyshow' અને BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) પર રોષ ઠાલવતા કહ્યું કે, અમદાવાદમાં રમનારા વર્લ્ડ કપની પ્રથમ મેચની તમામ ટીકીટો વેચાઈ ગઈ છે તેમ bookmyshow બતાવતું હતું. ચાહકોએ આરોપ મૂકયો હતો કે જો તમે કહેતા હો કે એક લાખથી વધુ ટીકીટ વેચાઈ ગઈ છે તો તે પ્રેક્ષકો કેમ દેખાયા નહીં ? શું તે ભૂત બની ને જોતા હતા ? પાકિસ્તાન સામેની મેચ અને અન્ય વેચાણ પણ આ રીતે જ નથી થયું ને ? જયારે ઓનલાઇન ટીકીટ વેચવા માટે ખુલ્લી મુકાઈ હતી ત્યારે તેની ગણતરીની મીનીટોમાં જ ટીકીટ વેચાઈ ગઈ તેવી સૂચના આવી જતા વિશ્વભરના ચાહકો નિરાશ થયા હતા. હજુ સુધી કોઇએ સોશિયલ મીડીયા પર ખુશી વ્યક્ત કરતા તેની ટીકીટનો ફોટો મૂક્યો નથી. ચાહકોએ માંગણી કરી છે કે ટીકીટ વેચાવા સાથે સંકળાયેલ તમામ એજન્સીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે તમામ ટીકીટને વેચાઈ ગઈ તેમ કેમ લખેલું આવે છે અને તે ટીકીટો ગઈ ક્યાં? ઉપરાંત ટ્વીટરમાં એક એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મહિલા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને મેચ જોવા માટે BJP દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. 

 


Google NewsGoogle News