World Cup 2023 - વર્લ્ડકપથી ભારત પર ચારેકોરથી નાણાંનો વરસાદ, GDPને રૂ.20,000 કરોડનું બુસ્ટર મળશે
વર્લ્ડકપ-2023થી ભારતની જીડીપીને રૂા. ૨૨,૦૦૦ કરોડનું બુસ્ટર મળશે : ટેલિકાસ્ટ રાઈટ્સથી રૂા. ૧૨૦૦૦ કરોડ, સ્પોન્સરશિપથી ૮૦૦૦ કરોડ અને ટિકિટ વેચાણથી રૂા.૨૦૦૦ કરોડની કમાણી થઈ શકે
નવી દિલ્હી, તા.14 નવેમ્બર-2023, મંગળવાર
ICCના વન-ડે વર્લ્ડ કપ-2023 (World Cup 2023)ના આયોજનથી ભારતની અર્થ વ્યવસ્થામાં અધધધ ૨૪૦ કરોડ ડોલરનું રોકાણ થાય તેવી શક્યતા બેન્કિંગ ક્ષેત્રના જાણકારોએ વ્યક્ત કરી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્લ્ડ કપની યજમાનથી ભારતીય GDPને આશરે રૂપિયા ૨૨,૦૦૦ કરોડનું બુસ્ટર મળી રહેશે. આ ઉપરાંત ઉડ્ડયન ઉદ્યોગની સાથે હોટલ્સ તેમજ ખાદ્ય ઉદ્યોગ, ડિલિવરી સર્વિસીસની સાથે હોસ્પિટાલીટી સેક્ટરને પણ વર્લ્ડ કપના આયોજનથી ફાયદો થશે.
સ્પોન્સરશિપ, પ્રસારણના અધિકાર, ટિકિટોના વેચાણથી ભારતને કમાણી
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બેન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીઓએ અનુમાન કર્યું છે કે, આ વર્લ્ડ કપના આયોજન થકી ભારતને સ્પોન્સરશિપ, પ્રસારણના અધિકાર તેમજ ટિકિટોના વેચાણથી સીધી કમાણી થવાની છે. ટિકિટોના વેચાણથી ૧,૬૦૦ થી ૨,૨૦૦ કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. વર્લ્ડ કપની મેચની ટિકિટોની કિંમત રૂપિયા ૫૦૦થી લઈને ૪૫,૦૦૦ કે ૫૦,૦૦૦ પણ હોઈ શકે છે. આ ઉપરાંત સ્પોન્સર ટેલિકાસ્ટ થકી રૂા. ૧૦,૫૦૦ થી ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જેટલી કમાણી થાય તેવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.
વિદેશી પ્રવાસીઓના કારણે પણ ભારતને કમાણી
વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા ૧૦ ટીમોના પ્રવાસન ખર્ચથી આશરે ૧૫૦ થી ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી ઉડ્ડયન ક્ષેત્રને થશે. વિદેશી પ્રવાસીઓના આગમનથી ૨૫૦ થી ૬૦૦ કરોડ તેમજ ઘરેલું ટુરિઝમથી ૧૫૦ થી ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી થાય તેવી શક્યતા છે. ખેલાડીઓના એક શહેરથી બીજા શહેરના પ્રવાસ તેમજ તેમના ઉતારાના અને ભોજનના ખર્ચથી માર્કેટમાં રૂપિયા આવશે. આ ઉપરાંત ટીમોની સાથે પ્રવાસ કરતાં ચાહકોના પ્રવાસન તેમજ ભોજન અને રહેવાના ખર્ચ તેમજ ટિકિટોની ખરીદી વગેરેને કારણે સરકારની જીએસટીની આવક પણ વધશે તેમ મનાય છે.
વર્લ્ડકપની યજમાનીનો રૂ.૨૦૦૦ કરોડ ખર્ચ થવાની સંભાવના
વર્લ્ડ કપની યજમાની ખર્ચ રૂા. ૨૦૦૦ કરોડ વર્લ્ડ કપની યજમાનીનો ખર્ચ આશરે રૂપિયા ૨૦૦૦ કરોડ થાય તેવી શક્યતા છે. BCCI યજમાન હોવાથી તેને આશરે ૧,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ મનાય છે. વર્લ્ડ કપની યજમાનીની કિંમત તરીકે બોર્ડને આશરે ૨.૮ કરોડ અમેરિકન ડોલર ICCને ચૂકવવા પડશે. આ ઉપરાંત BCCIને અંદાજે રૂપિયા ૯૫૫ કરોડ પણ ખર્ચવા આ પડશે, જેમાં સ્ટેડિયમ કન્સ્ટ્રક્શન-રિનોવેશનની સાથે સિક્યોરિટી, ટ્રાવેલિંગ તેમજ માર્કેટિંગ સહિતના ખર્ચ સામેલ છે.
સરકારને પ્રસારણ હક થકી ૯૫૫ કરોડ રૂપિયાની આવક
વર્લ્ડ કપના આયોજનથી સરકારને પણ જંગી આવક થશે. આઇસીસીના પ્રસારણ રાજસ્વ પર ૨૧.૮૪ ટકા ટેક્ષ સરકારને આપવો પડશે. જે રકમ આશરે ૯૫૫ કરોડ રૂપિયા થવા જાય છે. વર્લ્ડ કપ દરમિયાન પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જે ખર્ચ કરવામાં આવશે તે કુલ મળીને ૧.૬ અબજ ડોલર રહે તેવો અંદાજ છે.