World Cup 2023 : રોહિત શર્મા ફાઇનલમાં પહોંચ્યા પછી પણ નથી ખુશ, કહ્યું, 'આજે મેદાન પર ખરાબ ફિલ્ડિંગ બાદ...'

રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં 29 બોલમાં 47 રન બનાવ્યા હતા

મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રોહિત શર્મા ફાઇનલમાં પહોંચ્યા પછી પણ નથી ખુશ, કહ્યું, 'આજે મેદાન પર ખરાબ ફિલ્ડિંગ બાદ...' 1 - image
Image:IANS

World Cup 2023 IND vs NZ : ભારતીય ટીમે ODI World Cup 2023ની સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ભારતની આ સતત 10મી જીત હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વનડેમાં તેની 50મી સદી ફટકારી હતી. વિરાટની સાથે શ્રેયસ અય્યરે પર્ણ સદી ફટકારી હતી. બીજી તરફ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમના શાનદાર પ્રદર્શન બાદ પણ મેચ બાદ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખુશ ન દેખાયો હતો. ન્યુઝીલેન્ડ સામે 70 રનથી જીત મેળવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma On Poor Fielding Against New Zealand)એ કહ્યું હતું કે, 'અમારા ખેલાડીઓએ મેચમાં ખરાબ ફિલ્ડિંગ કરી હતી. આમ છતાં અમે ધીરજ ન ગુમાવી.'

'આજે મેદાન પર ખરાબ ફિલ્ડિંગ...' - રોહિત શર્મા

રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે, 'મેં વાનખેડેના મેદાન પર ઘણું ક્રિકેટ રમ્યું છે. મેદાન પર સ્કોર ગમે તેટલો હોય, તમે નિશ્ચિંત થઇ શકતા નથી. અમારે અમારું કામ પૂરું કરવાનું હતું. અમને ખબર હતી કે અમારા પર પ્રેશર હશે. આજે મેદાન પર ખરાબ ફિલ્ડિંગ બાદ પણ અમે ધીરજ ગુમાવી ન હતી.' તેણે વધુમાં કહ્યું હતું કે, 'આ એક લાંબી ટૂર્નામેન્ટ છે. અમે 9 મેચમાં સારી ફિલ્ડિંગ કરી છે અને આવું કોઈપણ મેચમાં થઈ શકે છે. અમે ખુશ છીએ કે અમે અંતે જીત મેળવવામાં સફળ રહ્યા.' 

રોહિતે વિલિયમ્સન અને મિચેલના કર્યા વખાણ

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં શમીથી લઈને રોહિત શર્મા સુધી બધાએ કેચ છોડ્યા હતા. રોહિતે વધુમાં કહ્યું હતું કે, 'વિલિયમ્સન અને મિચેલે શાનદાર બેટિંગ કરી. અમારા માટે ધીરજ રાખવી ખુબ મહત્વપૂર્ણ હતી. એક સમયે દર્શકો પણ શાંત થઇ ગયા હતા, પરંતુ અમે જાણતા હતા કે અમને એક કેચ અથવા રન આઉટની જરૂર છે. આવી સ્થિતિમાં શમીએ શાનદાર બોલિંગ કરી.' રોહિતે ભારતીય ટીમના બેટ્સમેનોની પણ સરાહના કરી હતી.

ટોપ 5-6 બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે - રોહિત શર્મા

રોહિતે બેટ્સમેનોના વખાણ કરતા કહ્યું હતું કે, 'ટોપ 5-6 બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. જ્યારે પણ તેમને તક મળી છે, તેમણે તેનો ફાયદો ઉઠાવ્યો છે. આ જોઇને ખુબ જ ખુશી થાય છે કે આ ટૂર્નામેન્ટમાં અય્યરે અમારા માટે શું કર્યું છે. શુભમન ગીલે જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી. કમનસીબે તેને હેમસ્ટ્રિંગને કારણે બહાર જવું પડ્યું હતું. વિરાટ કોહલીએ તે કર્યું જેના માટે તે જાણીતો છે. તેણે પોતાની ઐતિહાસિક સદી પણ પૂરી કરી.'

World Cup 2023 : રોહિત શર્મા ફાઇનલમાં પહોંચ્યા પછી પણ નથી ખુશ, કહ્યું, 'આજે મેદાન પર ખરાબ ફિલ્ડિંગ બાદ...' 2 - image


Google NewsGoogle News