વર્લ્ડ બેડમિંટનમાં ભારતના સિલ્વર-બ્રોન્ઝ નિશ્ચિત : સેમિ ફાઈનલમાં શ્રીકાંત વિ. લક્ષ્ય
- ભારતીય ખેલાડી સૌપ્રથમ વખત મેન્સ સિંગલ્સની ફાઈનલ રમશે
- સિંધુ તાઈ ત્ઝુ યિંગ સામે હારતાં ક્વાર્ટર ફાઈનલમાંથી જ બહાર
હુઈલ્વા (સ્પેન),
તા.૧૭
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ખેલાડી કિદામ્બી શ્રીકાંત
અને યુવા રાઈઝિંગ સ્ટાર લક્ષ્ય સેને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની સેમિ ફાઇનલમાં
પ્રવેશ મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. બંને ખેલાડીઓને આમને-સામને રમવાનું હોવાથી
ભારતનો એક ખેલાડી તો ફાઈનલમાં પ્રવેશશે તે નિશ્ચિત બની ગયું છે. આ સાથે વર્લ્ડ
ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સમાં સૌપ્રથમ વખત ભારતીય ખેલાડી ફાઈનલમાં રમશે.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભારતનો સિલ્વર અને બ્રોન્ઝ
તો નિશ્ચિત બની ગયા છે. જોકે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલી ભારતની મહિલા
ખેલાડી પી.વી. સિંધુને ક્વાર્ટર ફાઈનલની હાર સાથે ટુર્નામેન્ટ છોડવી પડી હતી.
૧૨મો ક્રમાંક ધરાવતા ભારતના કિદામ્બી શ્રીકાંતે ક્વાર્ટર
ફાઈનલમાં નેધરલેન્ડના માર્ક કાલ્જોવને સીધી ગેમ્સમાં ૨૧-૮, ૨૧-૭થી હરાવ્યો
હતો. જ્યારે ૨૦ વર્ષના લક્ષ્ય સેને ચીનના ઝાઓ જુનપેંગને ત્રણ ગેમના ભારે રોમાંચક
મુકાબલામાં ૨૧-૧૫, ૧૫-૨૧, ૨૨-૨૦થી હરાવીને
સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારતીય ખેલાડીની મેન્સ સિંગલ્સમાં સૌપ્રથમ ફાઈનલ
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની સેમિ ફાઇનલમાં લક્ષ્ય અને
શ્રીકાંત આમને-સામને ટકરાવાના છે. જેના કારણે ભારતનો એક ખેલાડી તો વર્લ્ડ બેડમિંટન
ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ ફાઇનલ રમશે તે નક્કી થઈ ગયું છે. આ સાથે વર્લ્ડ
બેડમિંટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડી મેન્સ સિંગલ્સની
ફાઈનલ રમશે.
પ્રકાશ પદુકોણે અને પ્રણિતે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ કેટેગરીમાં
ભારતના બે ખેલાડીઓ અત્યાર સુધીમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. જોકે આ પહેલીવાર
એવું બનશે કે ભારતનો ખેલાડી મેન્સ
સિંગલ્સની ફાઈનલ રમશે. અગાઉ ભારતના પ્રકાશ પદુકોણેએ ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
મેન્સ સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. તેના ૩૬ વર્ષ બાદ ભારતના સાઈ પ્રણિતે ૨૦૧૯ની વર્લ્ડ
ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સનો બ્રોન્ઝ જીત્યો હતો. પદુકોણેએ ૨૮ વર્ષની ઉંમરે અને
સાઈ પ્રણિતે ૨૭ વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
સિંધુ પાંચ વર્ષમાં પહેલીવાર મેડલ જીતી ન શકી
ભારતની પી.વી. સિંધુ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ
બેડમિંટન ચેમ્પિયનશિપમાં ઉતરી હતી. જોકે તેને ક્વાર્ટર ફાઈનલમા વર્લ્ડ નંબર વન
ચાઈનીઝ તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે સીધી ગેમ્સમાં ૨૧-૧૭, ૨૧-૧૩થી હારનો
સામનો કરવો પડયો હતો. યિંગની ઝડપ અને તેના આક્રમક સ્ટ્રોક પ્લે સામે સિંધુ સંઘર્ષ
કરતી જોવા મળી હતી અને ૪૨ મિનિટના સંઘર્ષ બાદ તેનો પરાજય થયો હતો. આ સાથે ૨૦૧૭થી
અત્યાર સુધીની દરેક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી હતી.