મહિલા T20 વર્લ્ડકપમાં જોવા મળશે આ ફેરફાર, ભારતીય મહિલા ટીમને પણ દુબઈમાં ઈતિહાસ રચવાની તક
Women's T20 World Cup 2024 : મહિલા T20 વર્લ્ડકપ 2024માં વોર્મ અપ મેચો સમાપ્ત થઈ ગયા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી લીધી હતી. પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને 20 રને અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને 28 રને હરાવ્યું હતું. હવે વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની મેચ 3જી ઓક્ટોબરથી રમવાનું શરુ થશે. ભારતીય ટીમની સફર 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચથી શરૂ થશે. આ વખતનો વર્લ્ડકપ ખાસ છે, કારણ કે આ મહિલા T20 વર્લ્ડકપમાં ઘણી વસ્તુઓ પહેલીવાર થવા જઈ રહી છે.
આ મહિલા T20 વર્લ્ડકપ 2024માં 10 ટીમો ભાગ લઈ રહી છે. જેને 5-5ના 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમવાની છે. જેમાં ટીમ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં રમવાની છે. છેલ્લા 25 વર્ષમાં આ પહેલીવાર બનશે કે જ્યારે ભારતની પુરુષ અથવા મહિલા ટીમ આ સ્ટેડીયમ પર મેચ રમશે.
આ સિવાય વર્લ્ડકપની ઘણી મેચો દુબઈમાં યોજાશે. વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોએ આ પહેલા દુબઈમાં ક્યારેય T20I મેચ રમી નથી. દુબઈ પહેલીવાર આ ટીમોની યજમાની કરશે. ઉપરાંત પહેલીવાર મહિલા T20 વર્લ્ડકપ કોઈ તટસ્થ સ્થળે યોજાઈ રહ્યો છે. અગાઉ આ વર્લ્ડકપની યજમાની બાંગ્લાદેશ કરવાનું હતું. પરંતુ રાજકીય ઉથલપાથલને કારણે વર્લ્ડકપને UAEમાં સ્થળાંતરિત કરવો પડ્યો હતો. જેના કારણે તમામ ટીમો માટે આ સ્થળ તટસ્થ બની ગયું હતું.
તાજેતરમાં ICC એ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું હતું. જેમાં ICC એ મહિલા T20 વર્લ્ડકપની ઈનામી રકમ પુરુષોના T20 વર્લ્ડકપની બરાબર કરી હતી. છેલ્લે ઈનામની રકમ 1 મિલિયન યુએસ ડોલર હતી, જે 134 ટકા વધીને 2.34 મિલિયન યુએક ડોલર કરવામાં આવી છે.