Asia Cup T20 2024 : ભારતનો પાકિસ્તાન સામે સાત વિકેટે વિજય, મંધાના-શેફાલી છવાઈ
Women's Asia Cup T20 2024, INDW vs PAKW : મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.
શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ભારતે સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલમાં નવ ફોર સાથે 45 રન અને શેફાલીએ 29 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 40 રન નોંધાવ્યા હતા. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર પાંચ રન અને જેમિમા ત્રણ રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.
પાકિસ્તાનની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ
ભારતે પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી અમીને સૌથી વધુ 35 બોલમાં 25 રન બનાવ્યા હતા. ફાતિમા સનાએ 16 બોલમાં એક પોર અને બે સિક્સની મદદથી અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. હસને 19 બોલમાં ત્રણ ફોર સાથે 22 રન નોંધાવ્યા હતા. બાકીની તમામ ખેલાડીઓ નબળું પ્રદર્શન કર્યું હતું.
દીપ્તિની ત્રણ વિકેટ
આજની મેચમાં ભારતીય બોલર દીપ્તી શર્માએ દમદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિએ પાકિસ્તાનની કેપ્ટન નિદાનને માત્ર આઠ રને પેવેલીયન ભેગી કરી દીધી હતી, જ્યારે હસનને 22 રને આઉટ કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ ખેરવી હતી.