Get The App

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર થશે ટક્કર, વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર

ભારતીય ટીમ 7 વખત વિમેન્સ એશિયા કપની ટુર્નામેન્ટ જીતી ચૂકી છે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર થશે ટક્કર, વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર 1 - image
Image:File Photo

Women’s Asia Cup Schedule Announced : ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને-સામને થવા જઈ રહી છે. વિમેન્સ એશિયા કપ 2024 દરમિયાન બંને દેશો વચ્ચે મહામુકાબલો જોવા મળશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગઈકાલે વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર કર્યું હતું.

આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

વિમેન્સ એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 જુલાઈના રોજ મેચ રમાશે. જણાવી દઈએ કે વિમેન્સ એશિયા કપ 2024નું આયોજન 19થી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દાંબુલામાં થવાનું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને યુએઈની સાથે ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિમેન્સ એશિયા કપની ગત સિઝનમાં માત્ર 7 ટીમોએ ભાગ લીધો હતો.

ભારત પ્રથમ મેચ યુએઈ સામે રમશે

વિમેન્સ એશિયા કપ 2024માં ભારતીય ટીમ 19મી જુલાઈના રોજ યુએઈ સામે તેની પ્રથમ મેચ રમશે. ત્યાર બાદ પાકિસ્તાન સાથેની મેચ બાદ તેનો મુકાબલો 23મી જુલાઈએ નેપાળ સાથે થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઈનલ મેચ 26 જુલાઈએ રમાશે જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 28મી જુલાઈએ રમાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 7 વખત બની ચેમ્પિયન

વિમેન્સ એશિયા કપ આ વખતે પણ T20 ફોર્મેટમાં રમાશે. વિમેન્સ એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 7 વખત ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. છેલ્લી વખત વિમેન્સ એશિયા કપ 2022માં રમાયો હતો. તે સમયે ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશની ધરતી પર યોજાનાર વિમેન્સ T20 વર્લ્ડકપ માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર થશે ટક્કર, વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર 2 - image


Google NewsGoogle News