Get The App

નિવૃતિ પરત ખેંચશે વિનેશ ફોગાટ? 2028 ઓલિમ્પિક રમવા માટે હું મનાવીશ, કાકાએ ભારતની આશા જીવંત કરી

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat:


Image:Twitter 

Vinesh Phogat: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે ફાઈનલ મેચમાં ડિસ્ક્વોલિફાઈ થતા કુસ્તીને અલવિદા કહી દીધું છે. ભારત માટે સતત ઓલિમ્પિક રમીને દેશનું નામ ઉજ્જવળ કર્યું છે અને આ વર્ષની ઓલિમ્પિકમાં ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર પણ મનાઈ રહી હતી. જોકે ફોગાટની સાથે 140 કરોડ દેશવાસીઓનું સપનું ચકનાચૂર થતા વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. વિનેશના આ નિર્ણયે ભારતના રમતપ્રેમીઓને ડબલ ઝટકો આપ્યો છે.

જોકે આ મામલે એક આશા જીવંત થઈ છે કારણકે વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વિનેશ ઘરે આવશે ત્યારે હું તેને સમજાવીશ. કહીશ કે હજુ તારે રમવાનું ઘણું બાકી છે, નિવૃત્તિનો નિર્ણય પરત લઈ લે. અમે તેને હિંમત ન હારવા, નિરાશામાં નીચું ન જોવા અને હવે ઉંચું નિશાન રાખીને 2028 ઓલિમ્પિકની તૈયારીમાં લાગી જવા મનાવીશું. હું, બજરંગ પુનિયા અને અમે બધા મળીને તેને સમજાવીશું.

વિનેશે નિવૃતિ કેમ લીધી ?, કાકાએ આપ્યું કારણ :

મહાવીર ફોગાટે કહ્યું કે, જે પણ ખેલાડી આ સ્તરે પહોંચે છે અને જ્યારે આવી કપરી પરિસ્થિતિઓ આવે છે ત્યારે તે ગુસ્સામાં આ પ્રકારના નિર્ણયો લઇ લે છે. આ વિનેશની ત્રીજી ઓલિમ્પિક હતી અને આટલી નજીક આવ્યા પછી પણ ખાલી હાથે રહેવું ખરેખર દિલ તોડી નાંખવા જેવુ છે. મને નથી લાગતુ કે આ કોઇ કાવતરુ હશે. નિયમ તો નિયમ છે અને નિયમો બધા માટે છે, જે થયુ તે નિયમ પ્રમાણે થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં ફોગાટ ઈજાના કારણે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી નહોતી. 2020 અને 2024માં ફેડરેશન અને બ્રિજ ભૂષણ સામેના વિરોધને કારણે તે સતત દબાણમાં હતી.

માત્ર 100 ગ્રામ વજન વધુ હતુ :

પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગટને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશ ફોગાટની સાથે સમગ્ર ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે, તેણે કુસ્તીને જ અલવિદા કહેવાની જાહેરાત કરી દીધી.

વિનેશ ફોગાટની નિવૃત્તિની જાહેરાત બાદ પહેલવાન બજરંગ પુનિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, વિનેશ તમે હાર્યા નથી, તમને હરાવવામાં આવ્યા છે, તમે હંમેશા અમારા માટે વિજેતા રહેશો. તમે ભારતની દીકરીની સાથે-સાથે ભારતનું અભિમાન પણ છો.


Google NewsGoogle News