રમ્યા વગર ઑસ્ટ્રેલિયાથી પાછા આવશે ભારતના આ ચાર ખેલાડી? કૅપ્ટન રોહિતે ભાવ ન આપ્યો
IND Vs AUS : હાલમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ ચાલી રહી છે. હવે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ભારત પાસે સીરિઝ ડ્રો પર સમાપ્ત કરવાની તક હશે. અગાઉ અનેક સ્ટાર ખેલાડીઓ પહેલી 4 મેચમાં નિષ્ફળ રહ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલીના બેટ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા છે. પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારવા સિવાય વિરાટે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. બોલિંગમાં આકાશ દીપ અને મોહમ્મદ સિરાજની પણ આવી જ હાલત છે.બંને બોલર જસપ્રીત બુમરાહને સારી રીતે ટેકો આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
એક તરફ મોટા બેટર નિષ્ફળ જઈ રહ્યા છે તો બીજી તરફ અનેક ખેલાડીઓને સીરિઝમાં રમવાની તક પણ આપવામાં આવી નથી. બોલિંગમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ભારતીય ટીમના ચાર બોલરોને હજુ સુધી આ સીરિઝમાં રમવાની તક મળી નથી. તો કોણ છે એ ખેલાડીઓ કે જેમણે હજુ સુધી મેદાનમાં રમવાની તક જ મળી નથી.
સરફરાઝ ખાન : આ વર્ષે મિડલ ઑર્ડર બેટર સરફરાઝ ખાને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝે 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં 371 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 37.1 રહી હતી. સરફરાજનના નામે એક સદી છે. તેણે 3 અડધી સદી પણ ફટકારી હતી. હવે જોવાનું એ રહેશે કે તેને સિડની ટેસ્ટમાં તેને તક મળે છે કે નહીં. જો તે નહીં રમે તો તે પ્રવાસી તરીકે જ ઘરે પરત ફરશે.
અભિમન્યુ ઈશ્વરન : એવું લાગે છે કે બંગાળનો આ ઓપનર બેટર રમ્યા વગર જ ફરી એકવાર ભારતીય ટીમ સાથે પાછો કરશે. અભિમન્યુને હજુ સુધી ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી નથી. આ 29 વર્ષના ખેલાડીએ અત્યાર સુધી 101 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7674 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 27 સદી અને 29 અડધી સદી છે. આમ છતાં તેને રમવાની તક મળી રહી નથી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સાથે રમવું તેના માટે મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
પ્રસિદ્ધ કૃષ્ણા : આ સીરિઝમાં ભારતીય ઝડપી બોલરોનું પ્રદર્શન સવાલોના ઘેરામાં રહ્યું છે. જસપ્રીત બુમરાહ સિવાય કોઈએ એવી બોલિંગ કરી નથી કે જેથી ઓસ્ટ્રેલિયન ટીમ પર દબાણ આવી શકે. આકાશ અને સિરાજની બોલિંગ પણ કંઈ ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હતી. એવું લાગતું હતું કે બંનેમાંથી કોઈ એકને આરામ આપવાથી પ્રસિદ્ધ કૃષ્ણને રમવાની તક મળી શકે છે. પરંતુ એવું કશું થયું ન હતું. ભારત માટે 2 ટેસ્ટ મેચમાં 2 વિકેટ લેનાર કૃષ્ણા પોતાના વારાની રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો : રોહિત અને વિરાટ રિટાયર ના થાય તો બહાર બેસાડો, બુમરાહ જીતાડશે: પૂર્વ ક્રિકેટર ભડક્યો
તનુષ કોટિયન : રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમમાં સામેલ થયેલા તનુષ કોટિયનને મેલબર્નમાં રમવાની તક મળી ન હતી. હવે સ્પીનરોને સિડનીમાં મદદ મળવાની આશા છે. આ સ્થિતિમાં રોહિત શર્મા માત્ર બે સ્પીનરો સાથે જાય છે કે તનુષ કોટિયનને પણ તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે. જો તનુષ નહીં રમે તો તે પ્રવાસી તરીકે પરત ફરશે.