માત્ર 26 વર્ષના ક્રિકેટરને લેવી પડી નિવૃતિ, ઈચ્છા નહીં મજબૂરી, ભારત સામે રમ્યો પહેલી અને છેલ્લી મેચ
Will Pucovski: ક્રિકેટની રમતમાં ખેલાડીઓ ફિટનેસ સારી હોય તો 40 વર્ષની ઉંમર સુધી કારકિર્દી લંબાવી શકતા હોય છે. પરંતુ ઘણી વખત ખેલાડીઓ ઇજા કે સ્વાસ્થયના કારણે કારકિર્દી ટૂંકાવવા મજબૂર થઈ જતાં હોય છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના યુવા ઓપનર વિલ પુકોવસ્કીએ તાજેતરમાં જ માત્ર 26 વર્ષની ઉંમરે નિવૃત થવાના અણસાર આપી દીધા છે.
ક્રિકેટ પ્રેમીઓને આંચકો લાગે એવા સમાચાર મળ્યા હતા જ્યારે વિલે નિવૃત થવાની જાહેરાત કરી હતી. વિલને ખૂબ જ પ્રતિભાશાળી બેટર્સમાંથી એક માનવામાં આવતો હતો પરંતુ માત્ર 20 વર્ષની ઉંમરે ઘણી બધી વખત ઇજાનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેને ઘણી વખત નેશનલ ક્રિકેટ ટીમમાંથી રમવાની તક મળી નહોતી. ઇજાઓના કારણે વિલ હવે ક્રિકેટમાં પોતાની કારકિર્દી લંબાવી શકશે નહીં.
એક ક્રિકેટરની તેની કારકિર્દીમાં અનેક વખત ઇજા થતી હોય છે. વિલ પુકોવસ્કીને આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં વિક્ટોરિયા માટે રમતી વખતે તસ્માનિયા સામેની મેચમાં ઇજા થઈ હતી. હોબાર્ટમાં શેફિલ્ડ શિલ્ડની મેચમાં વિલ પુકોવસ્કીને ઇજા થયા બાદ તે કોઈ મેચ રમી શક્યો નહોતો. મેડિકલ ટીમ દ્વારા તેને ક્રિકેટ નહીં રમવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે જલ્દી જ વિલ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરે તેવી શક્યતા છે. અહેવાલો પ્રમાણે માથામાં ગંભીર ઇજા થવાના કારણે તે વધારે ક્રિકેટ રમે તો જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ક્રિકેટમાં 'ભગવાન' પછી હું જ છું, ગિલ ક્યારેય વિરાટ નહીં બની શકે, કોહલીનો ફેક વીડિયો વાયરલ
વિલ પુકોવસ્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક ટેસ્ટ મેચ રમી છે અને આ મેચ તેણે જાન્યુઆરી 2021માં ભારત સામે રમી હતી. ડેબ્યૂ મેચમાં તેણે ભારત સામે પહેલી ઇનિંગમાં 62 અને બીજી ઇનિંગમાં 10 રન બનાવ્યા હતા. તેણે 36 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 45.19ની એવરેજ સાથે 2350 રન બનાવ્યા હતા જેમાં તેણે 7 સદી અને 9 અર્ધી સદી ફટકારી હતી. જેમાં તેનો સર્વાધિક સ્કોર 255 રન છે.
ભારત સામેની પહેલી જ મેચમાં સિડની ટેસ્ટમાં તેને ઇજા થઈ હતી અને જમણો ખભો ખસી ગયો હતો. આ ઇજાના કારણે ચોથી ગાબા ટેસ્ટમાં તે રમી શક્યો નહોતો જેમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો.