ભારત આવશે પાકિસ્તાની ક્રિકેટ ટીમ! એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ પર લેવાયો નિર્ણય
Asia Cup 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન પાકિસ્તાન છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એશિયા કપ 2025નું આયોજન છે.
શું પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવશે?
ભારત 2025માં મેન્સ એશિયા કપની યજમાની કરશે. જેમાં 6 ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને છઠ્ઠી ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા નક્કી થશે. આ સ્થિતિમાં પાકિસ્તાનની ટીમે આવતા વર્ષે ભારતનો પ્રવાસ કરવો પડશે. અગાઉ 2023માં એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો. તે સમયે ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ ન હતી, જેના કારણે ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડમાં રમાઈ હતી.
આ પણ વાંચો: મનુ ભાકર રચશે ઈતિહાસ...! બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની આશા
એશિયા ક્રિકેટ કાઉન્સિલનો મોટો નિર્ણય
એશિયા ક્રિકેટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભારત 2025માં મેન્સ એશિયા કપની યજમાની કરશે. જયારે 2027માં એશિયા કપ બાંગ્લાદેશમાં યોજાશે. વર્ષ 2027નો એશિયા કપ વનડે ફોર્મેટમાં જ યોજાશે. આ બન્ને ટુર્નામેન્ટમાં 13-13 મેચ રમાશે.
34 વર્ષ બાદ ભારતમાં યોજાશે એશિયા કપ
એશિયા કપની શરુઆત વર્ષ 1984માં થઈ હતી. ત્યારે આ ટુર્નામેન્ટ 16 એડિશનમાં રમાતી હતી. ભારતે અત્યાર સુધીમાં માત્ર એકવાર જ યજમાની કરી છે ભારતે 1990-91માં એશિયા કપની યજમાની કરી હતી ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત જ જીત્યું હતું. આ સ્થિતિમાં 2025નો એશિયા કપ ખાસ બની રહેશે. ભારત આ ટુર્નામેન્ટનું આયોજન 34 વર્ષ બાદ કરશે.
અત્યાર સુધીમાં ભારત 8 વખત એશિયા કપનો ખિતાબ જીતી ચૂક્યું છે. જ્યારે શ્રીલંકા 6 વખત ખિતાબ જીતીને યાદીમાં બીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ માત્ર બે વખત એશિયા કપની ચેમ્પિયન બની શકી છે. છેલ્લો એશિયા કપ પણ ભારત જ જીત્યું હતું. તેમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.