આરામ નહીં મળે, ઘરેલુ મેચો રમવી પડશે... શું ગૌતમ ગંભીરનો આદેશ માનશે રોહિત અને કોહલી?
Image: Facebook
Gautam Gambhirs Order: ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં 6 વિકેટથી આકરી હાર વેઠવી પડી હતી. આ હારના કારણે ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) પણ ગુમાવી દીધી. સાથે જ ભારતીય ટીમ સિડની ટેસ્ટ હારીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન ચક્રમાં ફાઈનલની રેસથી પણ બહાર થઈ ગઈ હતી. હવે WTC ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાશે.
ગંભીરે કોહલી-રોહિતને આપી સલાહ, શું માનશે બંને?
સિડની ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ભવિષ્યની રૂપરેખા જણાવી હતી. આ દરમિયાન ઈશારોમાં ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્માને ખાસ સલાહ આપી હતી. ગંભીરે કહ્યું હતું કે તે હંમેશા ઈચ્છે છે કે ભારતીય ખેલાડી ઘરેલુ ક્રિકેટ રમે, જો તે ઉપલબ્ધ હોય તો... હવે સૌથી નજર ખરાબ ફોર્મથી પસાર થઈ રહેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેવાની છે, જેમણે ઘણા સમયથી ઘરેલુ ક્રિકેટ રમી નથી.
આમ પણ કોહલી-રોહિતની પાસે હવે ફોર્મમાં વાપસી માટે ઘરેલુ ક્રિકેટથી મોટો કોઈ મંચ મળશે નહીં. 23-26 જાન્યુઆરી દરમિયાન રણજી ટ્રોફી હેઠળ દિલ્હીની ટીમ સૌરાષ્ટ્રથી, જ્યારે મુંબઈની ટીમ જમ્મુ-કાશ્મીરથી મેચ રમશે. કોહલી અને રોહિત તે દરમિયાન ફ્રી રહેશે કેમ કે 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ થઈ રહેલી ટી20 સીરિઝનો બંને દિગ્ગજ ભાગ હશે નહીં. કોહલી-રોહિત આ ફોર્મેટથી સંન્યાસ લઈ ચૂક્યા છે.
ગયા વર્ષે પણ ટીમ મેનેજમેન્ટ ઈચ્છતી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝથી દુલીપ ટ્રોફીમાં રમે પરંતુ બંને આરામ કરવા ઈચ્છતા હતા અને બીસીસીઆઈએ તેમને તેની પરવાનગી આપી દીધી. ઘરેલુ ક્રિકેટ ન રમવાનું પરિણામ સૌની સામે છે. પહેલા બંને દિગ્ગજ ન્યૂઝીલેન્ડ સીરિઝમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા પછી ઓસ્ટ્રેલિયા ટૂર પર બંનેની હાલત ખરાબ રહી.
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 6, 9 અને 12 ફેબ્રુઆરીએ ત્રણ વનડે મેચ પણ રમવાની છે. 19 ફેબ્રુઆરીથી થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની દ્રષ્ટિથી ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ મહત્ત્વની હશે. કહેવાઈ રહ્યું છે કે કોહલી-રોહિત આ સીરિઝથી આરામ લઈ શકે છે પરંતુ ગંભીર આવું બિલકુલ ઈચ્છતો નથી. જ્યારે ગંભીરે રાહુલ દ્રવિડ બાદ ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું તો તેણે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ રેસ્ટ વિશે વિચારવું જોઈએ નહીં. તે સમયે રોહિત શર્મા, વિરાટ કોહલી શ્રીલંકા પ્રવાસ માટે બ્રેક લેવા ઈચ્છતાં હતાં પરંતુ ગંભીરની જીદ બાદ તેમણે શ્રીલંકા પ્રવાસ પર જવું યોગ્ય સમજ્યું.
ગંભીરે કોહલી-રોહિત અંગે શું કહ્યું હતું ?
સિડની ટેસ્ટ બાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને કહ્યું હતું, 'હું કોઈ પણ ખેલાડીના ફ્યૂચર પર ટિપ્પણી કરી શકતો નથી. આ તેમની પર નિર્ભર છે. તેમનામાં ભૂખ અને પ્રતિબદ્ધતા છે. આશા છે કે તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા તે બધું જ કરશે જે તે કરી શકે છે.
ગંભીરે કહ્યું હતું, 'હું હંમેશા ઈચ્છું છું કે દરેક ઘરેલુ ક્રિકેટ રમે, જો તે ઉપલબ્ધ હોય. તમે ટેસ્ટ મેચ માટે પ્રતિબદ્ધ છો તો ઘરેલુ ક્રિકેટ રમો.' ટ્રાન્જિશન વિશે વાત કરવી ઉતાવળ હશે, ખબર નહીં 5 મહિના બાદ આપણે ક્યાં હોઈશું. ડ્રેસિંગ રૂમમાં મારે દરેક પ્રત્યે ઈમાનદાર અને નિષ્પક્ષ રહેવુ પડે છે. દરેક વ્યક્તિ દેશ માટે રમવાની પોતાની ભૂખ અને જુસ્સાથી વાકેફ છે. આ મારી કે તમારી ટીમ નથી, આ દેશની ટીમ છે. અમારા ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે, જેઓ જાણે છે કે તેમના યોગદાનથી ટીમને કેટલો ફાયદો થઈ શકે છે.'
ઘણા વર્ષોથી નથી રમ્યા રણજી મેચ?
વિરાટ કોહલી છેલ્લી વખત નવેમ્બર 2012માં દિલ્હી તરફથી રણજી ટ્રોફી મેચ રમવા ઉતર્યો હતો જ્યારે રોહિતે મુંબઈની તરફ પોતાની અંતિમ રણજી મેચ નવેમ્બર 2016માં રમી હતી એટલે કે બંને ખેલાડી ઘણા વર્ષોથી ઘરેલૂ મેચ રમી રહ્યાં નથી. ગંભીરની ટિપ્પણી આ બે ખેલાડીઓ પર હતી. જેમણે તાજેતરના વર્ષોમાં ઘરેલૂ ક્રિકેટથી અંતર રાખ્યું છે. હવે ગંભીરની શરતોને કોહલી-રોહિત માને છે કે નહીં, આ જોવાનું રસપ્રદ રહેશે.