શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે જસપ્રીત બુમરાહ? પીઠમાં ઈજા મુદ્દે જાણો શું છે અપડેટ
Jasprit Bumrah injury update : ભારતીય ટીમની કારમી હાર સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સમાપ્ત થઈ ગઈ હતી. 5 મેચની આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. સીરિઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ હતી. જેના બીજા દિવસે બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો અને ત્યારબાદ તે બોલિંગ કરવા માટે આવી શક્યો ન હતો. જેથી બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ નબળી પડી ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટથી જીતીને સીરિઝ પર કબજો મેળવી લીધો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
બુમરાહની ઈજાને લઈને સામે આવ્યું અપડેટ
હવે જસપ્રીત બુમરાહની પીઠની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બુમરાહની ઈજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કામના વધારાના બોજ સાથે જોડાયેલી છે. આ સ્થિતિમાં BCCI મેડિકલ ટીમે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે બુમરાહને આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર કરી શકાય. કારણ કે આ ટુર્નામેન્ટમાં તેનું રમવું ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝમાં જસપ્રીત બુમરાહે 150થી વધુ ઓવર ફેંકીને 32 વિકેટ ઝડપી હતી.
કેટલો સમય લાગશે બુમરાહને સ્વસ્થ થતા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુમરાહની પીઠની ઈજા વિશે વધુ જાણી શકાયું નથી પણ જો બુમરાહની ઈજા ગ્રેડ 1 કેટેગરીમાં હશે તો તેને રમતમાં પાછા ફરવા માટે બે થી ત્રણ અઠવાડિયા લાગશે. ગ્રેડ 2 ની ઈજાના કિસ્સામાં 6 અઠવાડિયા લાગી શકે જ્યારે ગ્રેડ 3 કે જે સૌથી ગંભીર સમસ્યા કરી શકે છે. તે સ્થિતિમાં તેણે ઓછામાં ઓછા ત્રણ મહિનાના આરામ કરવો પડી શકે છે.
ઈજાને કારણે અનેક સીરિઝ ગુમાવી શકે છે બુમરાહ
અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચની T20I સીરિઝ શરૂ થઈ રહી છે. આ પછી 6 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાશે. વનડે સીરિઝ બાદ ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. આ સ્થિતિમાં બુમરાહની ઈજાએ ભારતીય ટીમને ટેન્શનમાં મૂકી દીધી છે. જો બુમરાહ ઈજાના કારણે 1 મહિના માટે પણ ટીમથી બહાર રહે છે તો તે ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ ગુમાવી શકે છે. જો તેની ઈજા વધુ ગંભીર બનશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે.