ભારત-પાક મૅચને લઈને મોટા સમાચાર, ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચોને લઈને પાકિસ્તાનની ફરી ફજેતી થઈ
Champions Trophy 2025: થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ લીલી ઝંડી આપી દીધી હતી. એટલે હવે આવતા વર્ષે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે, પરંતુ ટીમ ઈન્ડિયાને સરહદ પાર મોકલવા અંગે ભારત સરકારે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ મીડિયાના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો તેમની મેચો શ્રીલંકામાં થઈ શકે છે.
ટીમ પાકિસ્તાન મોકલવાનો નિર્ણય માત્ર ભારત સરકાર પાસે: BCCI ઉપાધ્યક્ષ
ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકારે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ વર્ષે મે મહિનામાં બીબીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે. આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે, જો ભારત સરકાર ટીમને પાકિસ્તાન ન જવાનો નિર્ણય કરશે તો, તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો શ્રીલંકામાં યોજાશે.
ICC શેડ્યૂલ મુજબ ક્યાં યોજાશે ભારતની મેચો
ICCના શેડ્યૂલ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું છે, જેના યજમાનમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ સામેલ છે. આ શેડ્યૂલ અનુસાર ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમવાની છે.
પાકિસ્તાન જવા પર આ અગાઉ પણ થયો હતો વિવાદ
આ પહેલા વર્ષ 2023 એશિયા કપની યજમાની પણ પાકિસ્તાને કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ સરહદ પાર જવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે ICCએ હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું, જેના હેઠળ ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં યોજાવામાં આવી હતી. જેના કારણે પાકિસ્તાનને એશિયા કપ 2023ની સેમિફાઇનલ અને ફાઇનલ મેચોની યજમાની ગુમાવવી પડી હતી.