Photo Viral : શું ધોની રાજકારણમાં ઝંપલાવશે? વાયરલ તસવીરથી ચર્ચાએ જોર પકડ્યું
ધોની નિવૃત્તિ બાદ મોટાભાગનો સમય પોતાના વતન રાંચીમાં જ વિતાવે છે
Dhoni Meets With Politician : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પોતાના વતન રાંચીથી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન એરપોર્ટ પર ભાજપના ઘણા નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી હતી, જેની તસવીરો સામે આવ્યા બાદ ફરી એકવાર તેમના રાજકારણમાં પ્રવેશવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપના નેતાની ધોની સાથે મુલાકાત એરપોર્ટ પર થઈ
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મોટાભાગનો સમય પોતાના વતન રાંચીમાં વિતાવે છે ત્યારે તે રાંચીથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં તેમની મુલાકાત કેટલાક ભાજપના નેતાઓ સાથે થઈ હતી. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ સામેલ છે.
ધોનીના રાજકારણમાં પ્રવેશવાની ચર્ચાએ જોર પકડ્યું
ભાજપના ત્રણેય નેતાએ ધોની સાથે થોડીવાર વાતચીત કરી હતી અને ત્યારબાદ ધોની સાથે તસવીર પણ ખેંચાવી હતી. ધોનીની ભાજપના નેતા સાથે થયેલી મુલાકાતની આ તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ ફરી એકવાર ધોનીના રાજકારણમાં પ્રવેશવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ મુલાકાત માત્ર સંયોગ હોવાનું કહેવાય રહ્યું છે. ધોની મુંબઈ જવા માટે ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ત્રણેય નેતાઓ અમિત શાહને મળવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા જેથી માત્ર સંયોગથી જ ભાજપના નેતા સાથે મુલાકાત થઈ હોવાનું કહેવાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધોનીને ભાજપે જ પાર્ટી સાથે જોડાવા માટે પહેલી ઓફર કરી હતી.