Get The App

ભારતીય વન ડે ટીમના ફૂલટાઈમ કેપ્ટન બનવાનું પણ ગમશે : રોહિત

- રોહિત શર્માએ કોહલીની ખોટ ના સાલવા દીધી

- 'હું તમામ સંજોગોમાં ધોની જેવો કૂલ છું'

Updated: Sep 29th, 2018

GS TEAM


Google News
Google News


ભારતીય વન ડે ટીમના ફૂલટાઈમ કેપ્ટન બનવાનું પણ ગમશે : રોહિત 1 - imageદુબઈ, તા. ૨૯

એશિયા કપની ફાઈનલમાં ભારત બાંગ્લાદેશને ગઇકાલે આખરી બોલે હરાવીને ચેમ્પિયન બન્યું હતું. કોહલીને આરામ આપ્યો હોઈ ભારતન કેપ્ટન્સી રોહિતે શર્માએ કરી હતી.

ભારત એશિયા કપમાં પાકિસ્તાન સામે બંને મેચ જીત્યું હતું. આ એશિયા કપમાં ભારત એક પણ મેચ હાર્યું નહતું.

રોહિત શર્માએ મેચ બાદ મહત્ત્વની કોમેન્ટ કરી હતી કે તેને પૂર્ણ સમયના કેપ્ટન બનવાની તક મળશે તો તેને તે ગમશે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારત શ્રીલંકામાં ત્રિકોણીય ટી-૨૦ ટુર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત તે મુંબઇ ઇન્ડિયન્સને તેની કેપ્ટન્સીમાં ત્રણ વખત આઇપીએલ ચેમ્પિયન બનાવી ચૂક્યો છે.

રોહિત શર્માએ કહ્યું હતું કે કાર્યકારી કેપ્ટનના પડકારો હોય છે. કેમ કે સિનિયર ખેલાડીઓ ટીમમાં નથી હોતા. કેપ્ટન તરીકે હું એવું માનું છું કે ખેલાડીઓ નિશ્ચિત હોવા જોઇએ. જો તેઓ કોઈ સૂચના કે સ્થાન ગુમાવવાના સતત ભય હેઠળ રમે તો તેઓના દેખાવ પર અસર પડે છે. મેં એશિયા કપના પ્રારંભે જ રાયડુ અને દિનેશ કાર્તિકને કહી દીધું હતું કે તમે ટુર્નામેન્ટની તમામ મેચોમાં રમવાના છો.

રોહિત શર્માએ બોલરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ ખૂબ જ લાઈન લેન્થની શિસ્ત જાળવી રાખીને બોલિંગ કરી હતી. બાંગ્લાદેશે આક્રમક પ્રારંભ કર્યો છતા સ્પિનરોએ આવતા સાથે જે તેઓને નિયંત્રણમાં લઇ વિકેટો ઝડપી હતી.

રોહિત શર્માએ એમ પણ કહ્યું હતું કે કેપ્ટન તરીકેની મારી ઘણી ખાસિયતો ધોની જેવી છે.

ગમે તેવું દબાણ હોય છતા દિમાગથી ઠંડા રહેવાનું હું ધોની પાસેથી શીખ્યો છું. 'વિપરીત સંજોગોમાં પણ સ્વસ્થતાથી ધોની નિર્ણયો લેતો હોય છે તે વર્ષોથી મેં જોયું છે હું પણ તેની પ્રેરણાથી તેના જેવો બની ગયો છું.'

ધોનીની વિકેટ કિપીંગનું અમને એશિયા કપ જીતાડવામાં મોટું યોગદાન છે તેમ પણ રોહિત શર્માએ કહ્યું હતું.

 

Tags :