Get The App

WI vs AUS CHAMPS: 40 ઓવરમાં 493 રન; ફરી જામશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલનો જંગ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
WI vs AUS CHAMPS: 40 ઓવરમાં 493 રન; ફરી જામશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલનો જંગ 1 - image


World Championship of Legends 2024 Final: ભારતમાં હંમેશા ક્રિકેટનો ફીવર અકબંધ રહે છે. ગમે તે સમયે ગમે તે વ્યક્તિને ક્રિકેટ મેચ જોવાનું કે રમવાનું કહેવામાં આવે તો ઝટપટ તૈયાર થઈ જાય છે. ભારતીય ટીમે બે સપ્તાહ અગાઉ જ જીતેલા T20i વર્લ્ડકપનો ફીવર હજી ઉતર્યો નથી ત્યાં ભારતીય ક્રિકેટ ટીમ વધુ એક ખિતાબ અંકે કરવા માટે મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 એટલેકે 15મી મેચ અને આખરી લીગ મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સને દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સ સામે 54 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ હાર છતાં ભારત યુવરાજ સિંહની કેપ્ટન્સીમાં સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. સતત ત્રીજી મેચમાં ભારતની હાર થઈ છે અને કુલ 5માંથી માત્ર 2 મેચમાં જ જીત છતા 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

હવે ભારતનો મુકાબલો 12 જુલાઈએ બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. આ લીગની પ્રથમ સેમિફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સાથે 12 જુલાઈએ થશે. આ વખતે ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો અંતિમ મુકાબલાઓમાં પહોંચવામાં સફળ રહી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યાથી રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ મેચ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.

હરભજનની 4 વિકેટ છતા ભારત હાર્યું :

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 6 વિકેટે 156 રન જ બનાવી શક્યું અને 54 રનથી હાર્યું છે. જેક્સ સ્નીમેનને 43 બોલમાં 3 સિક્સ અને 10 ફોરની મદદથી 73 રન બનાવવા પર પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે વધુ એક ખેલાડી, રિચર્ડ લેવીએ પણ શાનદાર ઇનિંગ રમી અને 25 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા છે. કેપ્ટન જેક કાલિસે 12 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી હરભજન સિંહે 4 ઓવરમાં 25 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

WI vs AUS CHAMPS: 40 ઓવરમાં 493 રન; ફરી જામશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલનો જંગ 2 - image

યુસુફ પઠાણની અડધી સદી એળે ગઈ :

ભારતને જીતવા માટે 211 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ માત્ર 156 રન સુધી જ પહોંચી શકી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા ઉથપ્પાએ 23 રન જ્યારે નમન ઓઝાએ 5 રન જ બનાવ્યા હતા. સુરેશ રૈના ત્રીજા નંબરે આવ્યો હતો અને તેણે 21 રનની ઇનિંગ રમી હતી જ્યારે અંબાતી રાયડુએ 2 રન અને કેપ્ટન યુવરાજ સિંહ 5 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. યુસુફ પઠાણે દક્ષિણ આફ્રિકા સામે લડાયક ઈનિંગ રમીને 44 બોલમાં 2 સિક્સર અને 4 ફોરની મદદથી અણનમ 54 રન બનાવ્યા હતા. ભાઈનો સાથ આપતા ઈરફાન પઠાણે પણ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા અને અંતે રનઆઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ફિલાન્ડરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

40 ઓવરમાં 493 રન :

WI vs AUS CHAMPS: 40 ઓવરમાં 493 રન; ફરી જામશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલનો જંગ 3 - image

જોકે ભારત-આફ્રિકા લિજેન્ડ્સ અગાઉની એક મેચ WI vs AUSની મેચમાં રનોનો ખડકલો થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ અને ઑસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વચ્ચેની મેચમાં નોર્થમ્પટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર 40 ઓવરમાં માત્ર 13 વિકેટ પડી અને 493 રન બન્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 55 રને જીતી લીધી હતી. લીગ રાઉન્ડમાં બંને ટીમોની આ છેલ્લી મેચ હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડંકે 35 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 100 રન ફટકાર્યા હતા તો ડેનિયલ ક્રિશ્ચિયને 35 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા. બેન કટિંગે 14 બોલમાં 22 રન અને શોન માર્શે 20 બોલમાં 22 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રિયાદ એમ્રતે 3 વિકેટ ઝડપી હતી. 

સામે પક્ષે વેસ્ટ ઈન્ડિઝ તરફથી એશ્લે નર્સે 36 બોલમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 70 રન તો ડ્વેન સ્મિથે 40 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. ડેરેન સેમીએ 18 બોલમાં 33 અને જોનાથન કાર્ટરે 27 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બ્રેટ લીએ 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની જીત સાથે ભારતની સેમિફાઈનલની સીટ ફાઈનલ થઈ છે.


Google NewsGoogle News