ધોનીને આટલી નફરત કેમ કરે છે યુવરાજ સિંહના પિતા?, જાણો તેની પાછળના મુખ્ય ત્રણ કારણ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ધોનીને આટલી નફરત કેમ કરે છે યુવરાજ સિંહના પિતા?, જાણો તેની પાછળના મુખ્ય ત્રણ કારણ 1 - image

Why Yograj Singh Criticizes MS Dhoni: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ અવરનાર જાહેર પ્લેટફોર્મ પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની ટીકા કરતા રહે છે. 

યોગરાજે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું ધોનીને માફ નહીં કરું, તેણે પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ, તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર સાથે જે કર્યું તે હવે સામે આવી રહ્યું છે, તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાય નહી, મેં જીવનમાં કયારેય કોઈ બાબત બે વાર નથી કરી, પહેલું મારી સાથે જેણે સારું નથી કર્યું, તેને મેં ક્યારેય માફ નથી કર્યા અને બીજું મેં મારા જીવનમાં ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી, પછી ભલે તે મારા પરિવારના સભ્યો હોય કે મારા બાળકો.' 

આ પણ વાંચો: એ હાલ કરીશ કે દુનિયા તારા પર થૂંકશે: કપિલદેવ પર યુવરાજ સિંહના પિતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ

યોગરાજ સિંહ ધોનીથી કેમ આટલી નફરત કરે છે. તેના માટેના યોગરાજે ત્રણ કારણો વિષે ચર્ચા કરી હતી. 

યુવરાજની કારકિર્દીમાં દખલગીરી 

યોગરાજ સિંહે ધોની પર આરોપ લગાવ્યો હતો કે, 'તેણે જાણી જોઈને યુવરાજની કારકિર્દીમાં દખલગીરી કરી હતી, ધોનીના કેટલાક નિર્ણયોથી યુવરાજની કારકિર્દી ટૂંકી થઇ ગઈ હતી, જે ભારતીય ક્રિકેટ માટે એક મોટી ખોટ હતી, જો ધોનીએ દખલ ન કરી હોત તો યુવરાજ વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત, 2011ના વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરવાના ધોનીના નિર્ણયે યુવરાજના ગૌરવની ક્ષણ છીનવી હતી.'

વ્યક્તિગત સંબંધોમાં તકરાર

ધોની અને યુવરાજ વચ્ચેની તકરાર ફક્ત માત્ર પ્રોફેશનલ કારણો પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે વ્યક્તિગત પણ છે. યોગરાજે કહ્યું હતું કે, ‘ધોનીએ આત્મમંથન કરવાની જરૂર છે અને તેને અરીસામાં પોતાનો ચહેરો જોઈને પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ, યુવરાજ સાથે તેણે અન્યાય કર્યો છે, એટલે હું ક્યારેય તેને માફ નહીં કરું' તેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેની અને ધોની વચ્ચે કડવાશ ઘણી ઊંડી છે.

જીવનશૈલી અને સાંસ્કૃતિક મૂલ્યોનો તફાવત

યોગરાજે ધોનીની જીવનશૈલી અને તેના સાંસ્કૃતિક મૂલ્યોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ધોનીની ટીકા કરતાં તેમણે કહ્યું કે, 'તે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે પાર્ટીઓમાં હાજરી આપે છે, જે મારા મૂલ્યોની વિરુદ્ધ છે, ધોનીનું આ પ્રકારનું વર્તન નેશનલ આઇકોન તરીકે તેની ફરજો સાથે મેળ ખાતું નથી.' તેમના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેમની અને ધોની વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક વિચારધારામાં તફાવત છે.

ધોનીને આટલી નફરત કેમ કરે છે યુવરાજ સિંહના પિતા?, જાણો તેની પાછળના મુખ્ય ત્રણ કારણ 2 - image


Google NewsGoogle News