અક્ષર પટેલની જગ્યાએ તનુષ કોટિયનને કેમ ટીમમાં સામેલ કરાયો? રોહિત શર્માએ આપ્યો જવાબ
IND Vs AUS, Rohit Sharma : ઓસ્ટ્રેલીયા સામેની ગાબા ટેસ્ટ પછી તરત જ સ્પીનર આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી અને બીજા જ દિવસે તે ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા મુંબઈના સ્પીનર અને ઓલરાઉન્ડર તનુષ કોટિયનને તેના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલને બદલે કોટિયનને પસંદ કરવાના BCCIના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું હતું. હવે બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ પાછળનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે, શા માટે અશ્વિનના સ્થાને અક્ષર પટેલને બદલે કોટિયનની પસંદગી કરવામાં આવી છે.
શું કહ્યું રોહિત શર્માએ?
મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તનુષ એક મહિના પહેલા અહીં આવ્યો હતો. મને નથી લાગતું કે કુલદીપ પાસે વિઝા છે. અમને મેલબોર્ન અને સિડનીમાં બે સ્પીનરોની જરૂર હોવાથી અમને ખરેખર બેકઅપની જરૂર પડશે. કુલદીપ 100 ટકા ફિટ નથી. બીજુ અક્ષરને ઘરે બાળકનો જન્મ થયો છે. તેથી તે ટ્રાવેલ કરી શકે નહી. તનુષે બતાવ્યું છે કે તે શું સક્ષમ છે.'
કોટિયનની ક્રિકેટ કારકિર્દી
હવે તનુષ કોટિયન ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. કોટિયન ઓફ સ્પીનર અને જમણા હાથનો બેટર છે. ભારતીય ટીમમાં પસંદગી પહેલા તે મુંબઈ તરફથી વિજય હજારે ટ્રોફી રમી રહ્યો હતો. ઘરેલું ક્રિકેટમાં કોટિયને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા પણ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારત A ટીમનો ભાગ હતો. જ્યાં ભારત A એ ઓસ્ટ્રેલિયા A સામે બે બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમી હતી. જેની બીજી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. જ્યાં કોટિયાને 44 રન બનાવ્યા અને એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાચો : બુમરાહની બોલિંગ એક્શન ગેરકાયદે? ઑસ્ટ્રેલિયામાં લગાવાયો ગંભીર આરોપ, તપાસની માંગ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોટિયનનો રેકોર્ડ
કોટિયનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 33 મેચ રમી છે. આ દરમિયાન તેણે 2523 રન બનાવ્યા છે. જેમાં કોટિયનની બેટિંગ સરેરાશ 41.21 રહી છે. આ સિવાય તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી 101 વિકેટ લીધી છે. તેની સરેરાશ 25.70 રહી હતી.