રવિન્દ્ર જાડેજાને પડતો નથી મૂક્યો પરંતુ... ચીફ સિલેક્ટર અગરકરે જણાવ્યું ગુજરાતી ક્રિકેટરનું ભવિષ્ય
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમના શ્રીલંકા પ્રવાસ પહેલા નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમ 27 જુલાઈથી યજમાન શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને વધુ એક દિવસીય મેચ રમશે. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગરકરે ટીમ સિલેક્શનને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા.
રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં કેમ સ્થાન ન મળ્યું?
વન ડે ટીમમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી અંગે અજીત અગરકરે કહ્યું હતું કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેને ટીમમાં સ્થાન આપવાનું કોઈ ખાસ કારણ નહોતું. કોઈ એકને ટીમની બહાર રહેવું જ પડે એમ હતું. જાડેજાને પડતો મૂકવામાં નથી આવ્યો, હજુ એક લાંબી ટેસ્ટ શ્રેણી આગળ આવી રહી છે.
મુખ્ય પસંદગીકાર અગરકરના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ રવીન્દ્ર જાડેજાને હવે ટેસ્ટ ક્રિકેટમાં જ રમાડવા માંગે છે. જો ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનું થાય તો વન-ડે ટીમ માટે હવે અક્ષર પટેલને ટીમમાં નિયમિત સ્થાન માટે પ્રમોટ કરવામાં આવી શકે છે.
ઘણા ક્રિકેટ પ્રેમીઓ T20 વર્લ્ડકપ વિજય બાદ આશ્ચર્ય અને સાથે પ્રશ્ન હતો કે શ્રીલંકા પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે.
T20 ટીમનો કેપ્ટન કેવી રીતે નક્કી થયો?
અજીત અગરકરે કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો નિર્ણય ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી મળેલા ફીડબેક અને ઇજાઓને પગલે ટીમ માટે સતત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
શ્રીલંકા સામે ટી-20 સીરીઝ 27 જુલાઈથી શરૂ થશે, ત્યારબાદ 28 અને 30 જુલાઈએ મેચ રમાશે. આ તમામ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ ત્રણ મેચોમાં 15 સભ્યોની T20 ટીમનું નેતૃત્વ કરશે.
ત્યાર પછી રોહિત શર્માની આગેવાનીમાં કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 2, 4 અને 7 ઓગસ્ટે વનડે રમાશે. ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝમાં ભારતનો શ્રેણીમાં વિજય થયો હતો. જેમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે નહોતો. T20 વર્લ્ડકપ વિજય બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા ODI ટીમના કેપ્ટન તરીકે વાપસી કરશે.