VIDEO: મોહમ્મદ સિરાજને બીજી ટેસ્ટમાંથી કેમ બહાર કરવામાં આવ્યા, રોહિત શર્માએ જણાવ્યુ કારણ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 02 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં રમવા ઉતરી અને પ્લેઈંગ ઈલેવનમાં 3 મોટા પરિવર્તન કર્યા. જોકે હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાના ઈજાગ્રસ્ત થવાથી ઝટકો લાગ્યો. બીજી ટેસ્ટના અંતિમ અગિયારમાં બે પરિવર્તનની જાણકારી સૌને હતી પરંતુ ત્રીજું નામ ચોંકાવનારુ રહ્યુ. મોહમ્મદ સિરાજને બહાર કરવાની જાણકારી કેપ્ટન રોહિત શર્માએ ટોસના સમયે આપી અને તેનું કારણ પણ જણાવ્યુ.
ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ સામે સીરીઝની પહેલી મેચ હાર્યા બાદ મુશ્કેલી વધી ગઈ છે. સીનિયર ખેલાડી કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા બીજી મેચમાં ઈજાગ્રસ્ત થવાના કારણે રમી શક્યા નહીં. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કેપ્ટન રોહિત શર્માએ ત્રણ પરિવર્તન કર્યા. જાડેજાના સ્થાને કુલદીપ યાદવને તક આપવામાં આવી જ્યારે રજત પાટીદારે પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલનું સ્થાન લીધુ. ઝડપી બોલર મોહમ્મદ સિરાજને આ મેચમાં બહાર કર્યા અને તેના સ્થાને મુકેશ કુમારને તક આપી.
મોહમ્મદ સિરાજ શા માટે પ્લેઈંગ ઈલેવનથી બહાર થયા
ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ પહેલા ટોસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યુ કે મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે ઘણા સમયથી તેઓ સતત મેચ રમી રહ્યા છે. તેમને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ કારણે સિરાજને બહાર રાખતા મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા.
બીસીસીઆઈએ મોહમ્મદ સિરાજને લઈને અપડેટ જારી કર્યું છે. જેમાં જણાવાયુ છે કે તેમને ભારતીય ટીમથી હાલ રિલીઝ કરી દેવાયા છે. આ નિર્ણય આ લાંબી સીરીઝને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે સાથે જ તેની પર પણ વિચાર કરવામાં આવ્યો કે તેઓ કેટલા સમયથી સતત મેચ રમતા આવી રહ્યા છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં પસંદગી માટે સિરાજ હાજર રહેશે. આવેશ ખાન બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની સાથે જોડાઈ ગયા છે.