IPL 2025: આખરે કેમ દિલ્હી કેપિટલ્સથી નારાજ છે રિષભ પંત? શું બીજી ટીમમાં જોડાશે?
IPL 2025, Rishabh Pant : આગમી IPL 2025ને લઈને મેગા ઓક્શન પહેલા ઘણી ટીમોના કેપ્ટનોને લઈને અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં કહેવાઈ રહ્યું છે કે આ કેપ્ટનોની ટીમ નવી સીઝનમાં બદલાઈ શકે છે. એટલે કે આ ખેલાડીઓ તેમની જૂની ટીમો છોડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત વિશે એવી અટકળો ચાલી રહી છે કે પંત IPL 2025ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે પંતને લઈને એક મોટી માહિતી સામે આવી છે, જેનાથી ભારે હલચલ મચી ગઈ છે.
15 મહિના બાદ રિષભ પંતે IPL 2024માં ક્રિકેટ મેદાન પર વાપસી કરી હતી. પંતને ફરીથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. આ સીઝન પંત માટે ખૂબ સારી રહી હતી. પંતે 55.40ના સ્ટ્રાઈક રેટથી આ સીઝનમાં 446 રન બનાવ્યા હતા. કાર એક્સિડન્ટ થવાના કારણે પંત એક સીઝનમાં IPLમાં રમી શક્યો ન હતો.
એક અહેવાલ અનુસાર, રિષભ પંત દિલ્હી કેપિટલ્સની ટોચના રૂ. 18 કરોડના રીટેન્શનથી સંતુષ્ટ નહોતો. પંત આ મહિનાની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સહ માલિક પાર્થ જિંદાલ સાથે મુલાકાત કરી હતી. પંત રિટેન્શન તરીકે મળેલી રકમથી ખુશ ન હતો. ફ્રેન્ચાઇઝી માલિકો પંતને દિલ્હી કેપિટલ્સ માટે વધુ સારો કેપ્ટન માને છે. પરંતુ કદાચ તેઓ તેના માટે વધુ પૈસા ખર્ચવા માંગતા નથી.
મેગા ઓક્શન પહેલા દિલ્લી કેપિટલ્સનો સાથ છોડવાને લઈને વહેતી થયેલી અટકળો વચ્ચે થોડા દિવસ પહેલા રિષભ પંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જે ખૂબ વાઈરલ થઇ હતી. પંતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'જો હું ઓક્શનમાં જાઉ, તો મને કોઈ લેશે કે નહીં અને જો લે તો પછી મારું કેટલામાં ઓક્શન થશે?' પંતની આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા.