રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનવાની રેસમાં આ ખેલાડીનું પલડું ભારે! જાણો ત્રણ કારણ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનવાની રેસમાં આ ખેલાડીનું પલડું ભારે! જાણો ત્રણ કારણ 1 - image


Indian Cricket Team New T20 Captain: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આમ ભારતીય ટીમ બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની. બીજી તરફ આ જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ T20ને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે, રોહિત શર્માના બદલે કોને T20નો કેપ્ટન બનાવવામાં આવશે? આ રેસમાં સૂર્યાકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત જેવા અનેક ખેલાડી દાવેદાર છે પરંતુ હાર્દિક પંડ્યાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આજે તેની પાછળનું કારણ જાણીશું કે, હાર્દિક પંડ્યા કેમ પ્રબળ દાવેદાર છે. 

હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનસીનો અનુભવ

IPLમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. આ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં ગુજરાત ટાઈટન્સ સતત બે વખત ફાઈનલમાં પહોંચી હતી. આમ હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનસીનો સારો અનુભવ છે. આ કારણોસર હાર્દિક પંડ્યાને કેપ્ટન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાનું શાનદાર ફોર્મ

T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટની 8 મેચોમાં હાર્દિક પંડ્યાએ 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા, જેમાં તેણે એકવાર પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ હાર્દિક પંડ્યા સુપરહિટ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ 17.36ની એવરેજથી 11 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 23 રનમાં 3 વિકેટ અને ફાઈનલમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

જય શાહનો મળશે સાથ!

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જ્યારે BCCIના સેક્રેટરી જય શાહને  સંભવિત કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં શાનદાર રમ્યો હતો. કેપ્ટનસી અંગેનો નિર્ણય સિલેક્ટર્સ કરશે. હાર્દિક પંડ્યાએ પોતાની જાતને સાબિત કરી છે અને અમને તેની ક્ષમતા પર વિશ્વાસ છે.


Google NewsGoogle News