છેલ્લી ઓવરમાં જ બેટિંગ કરવા કેમ આવે છે ધોની? ગૌતમ ગંભીરે બતાવ્યું કારણ
Image Source: Twitter
IPL 2024, Mahendra Singh Dhoni: IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોની પોતાના જૂના ટચમાં નજર આવી રહ્યો છે. 42 વર્ષની ઉંમરમાં પણ ધોની ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. આ સિઝનમાં તેની સ્ટ્રાઈક રેટ 220થી ઉપર રહી છે. દરેક મેચમાં ચાહકો તેની બેટિંગની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે, ચાહકોને એ વાતની ફરિયાદ રહે છે કે, માહી છેલ્લી ઓવરમાં જ બેટિંગ કરવા કેમ આવે છે? હવે દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરે તેની પાછળનું કારણ જણાવ્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની વ્યૂહરચના
ગંભીરે જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સની વ્યૂહરચનાના કારણે ધોનીને ઓછા બોલ રમવાની તક મળે છે. તેણે આગળ જણાવ્યું કે, ધોનીનું છેલ્લી ઓવરોમાં રમવા પાછળનું કારણ CSKની સ્ટ્રેટજી છે. તેનાથી ધોનીને ખુલીને રમવા માટે સ્વતંત્રતા મળે છે. દરેક ટીમની અલગ-અલગ વ્યૂહરચા હોય છે અને CSKએ છેલ્લા 2-3 વર્ષોથી આવું કર્યું છે. આ સ્વતંત્રતાએ ધોનીને વધુ પ્રભાવ નાખવાની તક આપી છે.
ગંભીરે આગળ કહ્યું કે, જ્યારે તમે 20-25 બોલ રમો છો ત્યારે તમારી ઉપર ઈનિંગને આગળ લઈ જવાની જવાબદારી હોય છે. પરંતુ જ્યારે તમે માત્ર 8-10 બોલ રમો છો ત્યારે તમે ત્યાં જઈને અને વધુ સ્વતંત્રતા સાથે રમો છો.
વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે ધોની
ધોનીની વાત કરીએ તો ભલે તે ઓછા બોલ રમી રહ્યો છે પરંતુ તે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. આ સિઝનમાં ધોનીએ 10 મેચ રમી છે. જેમાં તેના નામે 110ની એવરેજ અને 229.17ના સ્ટ્રાઈક રેટથી કુલ 110 રન છે. ધોની આ સિઝનમાં માત્ર એક જ વાર આઉટ થયો છે. 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં ધોની રનઆઉટ થયો હતો. માહીએ આ સિઝનમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. જેમાં હાર્દિક પંડ્યાએ ફટકારેલી હેટ્રિક સિક્સર પણ સામેલ છે.