IND vs BAN: રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને કેમ ન આપી બોલિંગ? મેચ પછી ઉઠવા લાગ્યા સવાલ
IND vs BAN : કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદ પડવાના કારણે મેચ આગળ રમાઈ શકી ન હતી. ટેસ્ટના પહેલા દિવસે માત્ર 35 ઓવરની મેચ જ રમાઈ શકી હતી, જેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણયનો ટીમને કઈ ખાસ લાભ થયો ન હતો. ઝડપી બોલરો અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શક્યા ન હતા. હવે આ મુદ્દાને લઈને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે એક અલગ મુદ્દા તરફ બધાનું ધ્યાન દોર્યું છે, અને રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને સવાલો ઊભા કર્યા છે.
વરસાદને કારણે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ મોડી શરૂ થઈ હતી. કાનપુરમાં હવામાનમાં પવન વધારે ફૂંકાઈ રહ્યો હતો, તેથી કદાચ ભારતીય ટીમ મેનેજમેન્ટે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જે ભારતના કોઈપણ મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે. 9 વર્ષ બાદ ભારતમાં રમાયેલી કોઈ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સ્થિતિમાં રોહિતના આ નિર્ણયને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
કેપ્ટન રોહિત શર્માએ આ મેચ દરમિયાન 4 બોલરનો ઉપયોગ કર્યો હતો, જેમાં 3 ઝડપી બોલરોએ અને રવિચંદ્રન અશ્વિને 35 ઓવરો ફેંકી હતી. જેમાં 2 વિકેટ ઝડપી બોલર આકાશ દીપે અને એક વિકેટ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી હતી. મતલબ કે ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાને એક પણ ઓવર ફેંકવાની તક આપવામાં આવી ન હતી. રોહિતના આ નિર્ણય પર માંજરેકરે સવાલો ઉઠાવ્યા છે. આ સવાલ ડાબા હાથના બાંગ્લાદેશના ટોપ ઓર્ડરના બેટરો સામે રવિન્દ્ર જાડેજાને બોલિંગ ન કરાવવાનો છે.
સંજય માંજરેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, રોહિતને આ બતાવવાની જરૂર છે, આ આંકડા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 2016ની ટેસ્ટ સીરિઝના છે, જેમાં જાડેજાએ ડાબોડી બેટર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને 8 ઈનિંગ્સમાં 6 વખત પોતાનો શિકાર બનાવ્યો હતો, અને માત્ર 75 રન જ આપ્યા હતા. જ્યારે પણ ડાબા હાથના બેટર ક્રિઝ પર હોય છે, ત્યારે રોહિત ક્યારેય જાડેજાને બોલિંગ આપતો નથી.'
બાંગ્લાદેશી ટીમમાં બેટિંગ ઓર્ડરના પહેલા 4 ખેલાડીઓ ડાબોડી બેટર છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જમણા હાથના ઓફ સ્પિનરોનો ઉપયોગ ડાબા હાથના બેટરો સામે કરવો જોઈએ કારણ કે તેઓ બોલને બહારથી કાઢે છે, જ્યારે ડાબા હાથના બોલરોને બોલિંગ કરાવવાનું ટાળવામાં આવે છે, કારણ કે તેઓ ડાબા હાથના બેટર તેમની સામે વધુ સરળતાથી બેટિંગ કરી શકે છે. આ તર્કના આધારે રોહિતનો આ નિર્ણય સાચો લાગે છે, પરંતુ એવું પણ નથી કે ડાબા હાથના બોલરો અસરકારક બોલિંગ નથી કરી શકતા. જાડેજાએ પોતાની કારકિર્દીમાં ઝડપેલી 299 ટેસ્ટ વિકેટમાંથી 102 વખત ડાબા હાથના બેટરોને પોતાનો શિકાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં માંજરેકરનો પ્રશ્ન એક વખત માટે વાજબી લાગે છે.