'ઓય! બધા સૂઈ ગયા કે શું..!', ટીમ પર કેમ ગુસ્સે ભરાયો રોહિત શર્મા? વીડિયો વાયરલ
IND Vs BAN, Rohit Sharma : ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. બાંગ્લાદેશ સામે ભારતે 515 રનનો લક્ષ્ય રાખ્યો છે. બીજી ઇનિંગમાં ભારત તરફથી શુભમન ગિલ અને ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી અને બન્ને ખેલાડીઓએ શાનદાર સદી પણ ફટકારી હતી. જો કે ઇનિંગમાં કૅપ્ટન રોહિત શર્માનું બેટ ભલે ન ચાલ્યું હોય, પરંતુ તેની કૅપ્ટનશીપ ખૂબ અસરકારક રહી છે. તેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કૅપ્ટનશીપ કરવાની રીત અલગ
રોહિત શર્માની કૅપ્ટનશીપ કરવાની રીત વિરાટ કોહલીની કૅપ્ટનશીપથી ઘણી અલગ છે. કોહલી મેદાન પર ખૂબ જ આક્રમક રહેતો હતો, જયારે રોહિત હંમેશા તેના સાથી ખેલાડીઓના ખભા પર હાથ રાખી તેમને માર્ગદર્શન આપે છે, જો કે એવું નથી કે રોહિતમાં આક્રમકતાનો અભાવ છે. સાથી ખેલાડીઓ સાથે વાત કરવાની તેની પોતાની રીત છે. તેની 'ગાર્ડનમાં ફરવાવાળી' ટિપ્પણી ખૂબ વાયરલ થઈ હતી. જેમાં તે ફિલ્ડરોને સ્ફૂર્તિ બતાવવાનું કહી રહ્યો હતો.
આ પણ વાંચોઃ બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: ઋષભ પંતે ધોનીની કરી બરાબરી
'ઓય! બધા સૂઈ ગયા કે શું..!'
હવે બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ખેલાડીઓને ઠપકો આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રોહિત એક ફિલ્ડર પર ગુસ્સે થયો હતો, અને તેને કહ્યું હતું કે, 'ઓય! બધા સૂઈ ગયા કે શું..!' જો કે આ વીડિયોમાં રોહિત કોને કહી રહ્યો છે એ સ્પષ્ટ થયું નથી.
રોહિતનું ખરાબ પ્રદર્શન
બાંગ્લાદેશ સામે રોહિતનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તે બન્ને ઇનિંગ્સમાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નહોતો. તેણે પહેલી ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 5 રન બનાવ્યા હતા. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં તે ચોથી વખત બન્ને ઇનિંગમાં ડબલ ફિગરને પાર કરી શક્યો ન હતો.