રોહિત-વિરાટને કોણ કરશે રિપ્લેસ? જાણો સહેવાગના 'મન ની વાત', T20 વર્લ્ડકપ 2026નો પ્લાન બતાવ્યો
Image: Facebook
Virender Sehwag Opinion: રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ 2024માં ટ્રોફી જીતી લીધી છે. રોહિત બ્રિગેડે વર્લ્ડ ચેમ્પિયન બનીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, ચાહકોને તે સમયે થોડો ઝટકો લાગ્યો જ્યારે ટ્રોફી જીત્યા બાદ હિટમેન રોહિત અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ટી20Iથી સંન્યાસની જાહેરાત કરી દીધી. ટોપ ઓર્ડરમાં રમનાર રોહિત અને કોહલીને ભારતીય ટી20 ટીમમાં કોણ રિપ્લેસ કરશે? આની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે રોહિત-કોહલીના રિપ્લેસમેન્ટ સિવાય ટી20 વર્લ્ડ કપ 2026ના પ્લાન પર પોતાનો મત રજૂ કર્યો છે. શુભમન ગિલની કેપ્ટનશિપમાં હાલ યુવાન ભારતીય ટીમ પાંચ મેચની ટી20 સિરીઝ માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. પહેલી ટી20 શનિવારે હરારેમાં રમવામાં આવશે.
કોણ પરફોર્મ કરશે, સિલેક્ટરની નજર રહેશે
ઝિમ્બાબ્વે પ્રવાસ પર ઘણા એવા ખેલાડી ગયા છે, જેમને આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના આધારે પહેલી વખત ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે સેહવાગને ઝિમ્બાબ્વે ગયેલા યુવાન ખેલાડીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ડોમેસ્ટિક બાદ ઈન્ટરનેશનલનું સિલેક્શન થાય છે. ઝિમ્બાબ્વે પ્રવાસ એ જોવા માટે છે કે જે ખેલાડીઓએ પરફોર્મ કર્યું છે, શું તે ઈન્ટરનેશનલ લેવલ પર પણ આવું જ રમી શકે છે. કોને-કોને તક આપવામાં આવી શકે છે. નાઈન્ટીઝમાં ઝિમ્બાબ્વેની ટીમ ખૂબ મજબૂત હતી. ત્યાં જીતવું મુશ્કેલ હતું પરંતુ 2010 બાદથી એવું થઈ ગયું છે કે ઝિમ્બાબ્વેમાં ભારતની કોઈ પણ ટીમ જાય તો જીતીને જ આવે છે. કદાચ આ સિરીઝ પણ જીતીને આવશે. પરંતુ ત્યાં કોણ પરફોર્મ કરશે, તેની પર સિલેક્ટરની નજર રહેશે.
ટોપ-3 માં ફેરફાર થશે તો કોણ આવી શકે છે
સેહવાગે આગળ કહ્યું, પરફોર્મ કરનાર ખેલાડી નેક્સ્ટ લાઈનમાં આવી જાય છે. આગામી જે ટી20 વર્લ્ડ કપ હશે તો તેના માટે સિલેક્ટર ધ્યાન રાખે છે કે કયા ખેલાડીએ ઈન્ટરનેશનલ લેવલ પર આવીને છાપ છોડી. ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ જેવા પ્રવાસ પર પરફોર્મ કરનાર ખેલાડી નિવૃત થયેલા સીનિયર પ્લેયર્સને ટી20 ટીમમાં રિપ્લેસ કરી શકે છે. જો સિલેક્ટરની દ્રષ્ટિએ જોઈએ તો આગામી ટી20 વર્લ્ડ કપ માટે રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે મિડલ ઓર્ડરમાં હશે. સિલેક્ટર ચેક કરી રહ્યાં છે કે ટોપ-3 માં ફેરફાર થશે તો કોણ આવી શકે છે. રોહિત અને કોહલીના ગયા બાદ કોણ તેમનું સ્થાન લેશે. કદાચ આ જ વિચારીને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે.