IND vs AUS: રોહિત શર્માની જગ્યાએ ટીમ ઇન્ડિયા માટે કોણ કરશે ઓપનિંગ? ત્રણ નામો રેસમાં
Border Gavaskar Trophy : ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમની નજર હવે ઓસ્ટ્રેલિયાના 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલા પ્રવાસ પર છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝની પાંચ મેચ રમશે. ભારતે છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું છે. અને આ વખતે તેની નજર હેટ્રિક પર રહેશે.
અહીં તમને જણાવી દઈએ કે, આ ટેસ્ટ સીરિઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો એક ભાગ છે. હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ 4-0થી જીતવી જરૂરી છે.
આ પણ વાંચો : રનનો પહાડ! ભારતના આ ખેલાડીએ 44 ચોગ્ગા, 10 છગ્ગા સાથે એકલા હાથે ફટકાર્યા 426 રન
શું રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચમાં રમશે?
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં રમશે કે નહીં તે હજુ નક્કી નથી. જો કે, આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. કારણ કે રોહિત 10 નવેમ્બર, રવિવારે પ્રથમ સેટમાં ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રોહિત પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં તે નક્કી નથી. અને તે ટેસ્ટની શરૂઆત પહેલા ભારત પરત ફરી શકે છે. આ સ્થિતિમાં જ્યાં એક તરફ રોહિતને લઈને મૂંઝવણ છે, તો બીજી તરફ રોહિત પહેલી ટેસ્ટ નહીં રમે તો તેની જગ્યાએ કોણ લેશે તે પણ એક સવાલ છે. આ સ્થિતિમાં આ ત્રણ ખેલાડીઓ રોહિતનું સ્થાન લઈ શકે છે.
અભિમન્યુ ઇશ્વરન
અભિમન્યુ ઇશ્વરન રોહિતની જગ્યાએ જયસ્વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. અભિમન્યુ હાલમાં ઓસ્ટ્રેલિયા A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચોનો ભાગ છે. જો કે અભિમન્યુએ ઓસ્ટ્રેલિયા A સામે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. અને 7, 12, 0 અને 17નો સ્કોર કરી આઉટ થઇ ગયો હતો. શક્ય છે કે અભિમન્યુના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ વધી ગઈ હોય.
કેએલ રાહુલ
પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ નવા બોલનો સામનો કરવા માટે પ્રબળ દાવેદાર છે. ટીમ મેનેજમેન્ટે તેને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા મોકલીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો સંકેત આપ્યો હતો. ભલે રાહુલ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં બંને દાવમાં ફ્લોપ રહ્યો હોય. પરંતુ તેનો અનુભવ તેને વધારે અ સ્થાન માટે યોગ્ય બનાવે છે. રાહુલ છેલ્લા એક વર્ષમાં પ્લેઈંગ ઈલેવનની અંદર અને બહાર રહ્યો છે. ગત વર્ષે તેને વાઈસ કેપ્ટનના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે અને તે પહેલા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે તેનામાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શુભમન ગિલ
શુભમન ગિલને પર્થમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. તે રોહિતના સ્થાને ઓપનીંગ કરવાની રેસમાં રહે છે. આગાઉ પણ શુભમન ઓપનિંગ કરી ચૂક્યો છે. પરંતુ હાલમાં પૂજારા ટીમની બહાર હોવાથી તે નંબર 3 પર રમી રહ્યો છે. જો કે, ગિલ આ રેસમાં ઘણો પાછળ છે. કારણ કે જો તે ઓપનિંગ કરશે તો સવાલ એ ઊભો થશે કે 3 નંબર પર કોણ રમશે?