400 રનનો રેકોર્ડ કોણ તોડશે? બ્રાયન લારાએ લીધા 4 નામ, જેમાં ભારતના બે તોફાની બેટરનો સમાવેશ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
400 રનનો રેકોર્ડ કોણ તોડશે? બ્રાયન લારાએ લીધા 4 નામ, જેમાં ભારતના બે તોફાની બેટરનો સમાવેશ 1 - image


ક્રિકેટની દુનિયામાં રોજબરોજ અનેક રેકોર્ડો બને છે અને અનેક તૂટે છે પરંતુ અમુક રેકોર્ડ તોડવા લગભગ અસંભવ બની રહ્યાં છે તેમાંથી એક છે એક જ ઈનિંગમાં એક જ ખેલાડીએ 400 રન કરવા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે 400 રન ફટકારીને સુવર્ણ ઈતિહાસ લખી દીધો હતો. 

1994માં લારાએ ઈંગ્લેન્ડ સામે 375 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ રેકોર્ડ લગભગ 10 વર્ષ બાદ તૂટ્યો હતો જ્યારે મેથ્યુ હેડને ઝિમ્બાબ્વે સામે 380 રન બનાવ્યા હતા. જોકે ફરી 2004માં લારાએ સેન્ટ જોન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે 400 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો. મહત્વની વાત એ છે કે 20 વર્ષ બાદ આજદિન સુધી આ રેકોર્ડ અકબંધ છે.

બે દસકા સુધી આ રેકોર્ડ અડીખમ ઉભો છે. જોકે આ રેકોર્ડ કોણ તોડી શકે છે અને ક્યારે, તે અંગે ક્રિકેટરસિકોમાં ભારે ચર્ચા થતી રહેતી હોય છે. જોકે હવે આ સવાલનો જવાબ રેકોર્ડ બનાવનાર ખેલાડીએ જ આપી દીધો છે અને સંભવિત ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.

400 રનનો રેકોર્ડ કોણ તોડશે ?

બ્રાયન લારાને પૂછવામાં આવ્યું કે આજના જમાવામાં એવા કયા ખેલાડી છે જે તેમનો આ રેકોર્ડ તોડી શકે છે. ડેઈલી મેલને લારાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'મારા સમયમાં એવા ઘણા ખેલાડીઓ હતા જેમણે મને પડકાર આપ્યો હતો. વીરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ, ઈન્ઝમામ-ઉલ-હક, સનથ જયસૂર્યા સહિતના ખેલાડીઓએ 300 રનનો આંકડો પણ પાર કર્યો હતો. આ તમામ આક્રમક ખેલાડીઓ હતા. આજના જમાનામાં જોઈએ તો કેટલા આક્રમક ખેલાડીઓ રમી રહ્યાં છે? ઈંગ્લેન્ડની ટીમમાં ખાસ કરીને જેક ક્રોલી અને હેરી બ્રુક. ભારતીય ટીમમાં કદાચ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલને જો યોગ્ય પરિસ્થિતિઓ મળશે તો મારો રેકોર્ડ તોડી શકે છે.

બ્રાયન લારાની ઈનિંગ બાદ માત્ર શ્રીલંકાના મહેલા જયવર્દને જ આજદિન સુધી આ રેકોર્ડ નજીક પહોંચી શક્યા છે. 2006માં દક્ષિણ આફ્રિકા સામે કોલંબોમાં મહેલાએ 374 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી 350 રન પણ બનાવી શક્યા નથી. 2019માં ડેવિડ વોર્નર પાકિસ્તાન સામે એક શાનદાર ઈનિંગ રમી રહ્યો હતો. જોકે વોર્નર 335ના સ્કોર પર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો.

કોઈપણ માટે સરળ રહેશે નહિ :

આજના સમયમાં બ્રાયન લારાનો રેકોર્ડ તોડવો કોઈપણ ખેલાડી માટે સરળ રહેશે નહિ. હવે ટેસ્ટમાં ઘણી ઓછી ટીમો એવી છે જે 500 રન સુધી પણ પહોંચી શકે છે. આપણે જ્યારે માત્ર પરિણામ તરફ આગળ વધીએ છીએ તો વિકેટો જ ઝડપથી પડી રહી છે. 2020થી ટેસ્ટમાં માત્ર એક જ વાર 700 થી વધુ સ્કોર થયો છે. આ કારણે લારાનો રેકોર્ડ તોડવો કોઈના માટે આસાન નહિ હોય પરંતુ લારાના મતે આગામી ટૂંક સમયમાં આ રેકોર્ડ તૂટી પણ શકે છે.


Google NewsGoogle News