IND VS AUS : ભવિષ્યમાં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? રોહિત શર્માએ આપ્યા સંકેત
India vs Australia Test Series: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી નવા વર્ષની ટેસ્ટ મેચ દરમિયાન ઓફિશયલ બ્રોડકાસ્ટરને એક સરપ્રાઈઝ ઈન્ટરવ્યુ આપ્યું હતું. બીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડથી લંચ બ્રેક દરમિયાન રોહિતે ઘણા મુદ્દાઓ પર સ્થિતિ સ્પષ્ટ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને પરેશાન કરતી અનેક બાબતો મીડિયામાં સામે આવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ રહી હતી.
હું અત્યારે સંન્યાસ નથી લેવાનો: રોહિત
રોહિતે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાંથી કથિત લીક અને આ માર્કી પ્રવાસ પર ખેલાડીઓને કેવી અસર કરી તે અંગે વિગતવાર વાત કરી. રોહિતે SCG ગેમમાંથી બહાર થવા પર અને મેલબોર્નમાં પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હોવાની અટકળોને પણ નકારી કાઢી હતી. તેણે કહ્યું હું હમણા સંન્યાસ નથી લેવાનો. આ ઉપરાંત તેણે ભારતીય ટીમનો આગામી કેપ્ટન કોણ બની શકે છે તે અંગે પણ સંકેત આપ્યા હતા.
કેપ્ટનશીપ માટે અનેક દાવેદારો
રોહિત શર્માએ પોતાના ખરાબ ફોર્મને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ સરળતાથી કોઈને નથી મળી જતી. તેને કમાવી પડે છે. રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે આગામી ભારતીય કેપ્ટન કોણ હશે? તેના પર રોહિતે કહ્યું કે, 'આ કહેવું મુશ્કેલ છે. તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણા છોકરાઓ છે, પરંતુ હું ઈચ્છું છું કે તેઓ પહેલા ક્રિકેટનું મહત્વ સમજે, આ સ્થળનું મહત્વ સમજે.'
આ પણ વાંચો: યશસ્વીએ સેહવાગ-રોહિતનો મહારેકોર્ડ તોડ્યો, પહેલી ઓવરમાં જ સ્ટાર્કનો ઉધડો લઈ નાખ્યો
રોહિત શર્માએ કહ્યું કે, 'તે નવા છોકરા છે. હું જાણું છું કે તેમને જવાબદારી સોંપવી જોઈએ. પરંતુ તેમને તે કમાવા દો. તેમને આગામી કેટલાક વર્ષો અથવા ગમે તે હોય, થોડું મુશ્કેલ ક્રિકેટ રમવા દો. તેમને તે કમાવા દો. ભારતનો કેપ્ટન બનવું એક મોટું સન્માન છે.'
બુમરાહના ખૂબ વખાણ કર્યાં
રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે ભારતનું નેતૃત્વ સારી રીતે કર્યું છે. તેની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે પર્થ ટેસ્ટ જીતી હતી અને વર્તમાન સિડની ટેસ્ટમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે કહ્યું, 'અલબત્ત, તેની પાસે રમત માટે ઘણા વિચારો છે. તે પોતાની બોલિંગથી જે રીતે અન્યો માટે ઉદાહરણ બેસાડે છે તે શાનદાર છે. તેની પાસે ઉત્તમ પ્રતિભા છે. તે ખેલને સમજે છે. તે હંમેશા ટીમને આગળ રાખે છે. હું તેને છેલ્લા 11 વર્ષથી જોઈ રહ્યો છું. મેં તેને 2013માં પહેલીવાર જોયો હતો. તેનો ગ્રાફ પણ ઊંચો ગયો છે. તેણે પોતાનામાં ઘણો વિકાસ કર્યો છે. તે જે રીતે બોલિંગ કરી રહ્યો છે તે આખી દુનિયા જોઈ રહી છે. પરંતુ હા, તે સતત મજબૂત થતો જઈ રહ્યો છે.'