રોહિત બાદ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો કૅપ્ટન કોણ? BCCI વિકલ્પની શોધમાં, આ નામ ચર્ચામાં
Who will be captain of Team India's Test team? : તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ની ફાઇનલમાં પહોંચી શકી ન હતી. આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તે પાંચ ઇનિંગ્સમાં 31 રન જ બનાવી શક્યો હતો. રોહિતના ખરાબ પ્રદર્શનને કારણે તેણે પોતાને સિડની ટેસ્ટમાંથી બહાર રાખ્યો હતો.
ભારતની આ હાર બાદ BCCIએ ભવિષ્યની યોજના બનાવવાનું શરુ કરી દીધું છે. એક અહેવાલ અનુસાર, BCCI ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ કૅપ્ટન તરીકે અન્ય કોઈ ખેલાડીની શોધ કરી રહ્યું છે. જો કે ઇંગ્લૅન્ડ પ્રવાસ પર રોહિત જ કૅપ્ટનશીપ કરે તેવી સંભાવના છે. જ્યાં ભારતે યજમાન ઇંગ્લૅન્ડ સામે જૂન-ઑગસ્ટમાં પાંચ ટેસ્ટ મેચ રમવાની છે.
શું બુમરાહ રોહિતનું સ્થાન લેશે?
BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, 'પસંદગીકારો અને બોર્ડના અધિકારીઓ સાથે રોહિતની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રોહિતને પૂછવામાં આવ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તે પોતાનું ભવિષ્ય કઈ રીતે જુએ છે. ટીમ મેનેજમેન્ટ પાસે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ચક્ર અને વનડે વર્લ્ડકપ માટે અમુક યોજનાઓ છે.' જસપ્રીત બુમરાહ કેટલાક સમયથી રોહિતના ડેપ્યુટી તરીકે સાથ આપી રહ્યો છે. પરંતુ બુમરાહની ફિટનેસની ચિંતાઓને કારણે BCCI તેને આગામી કૅપ્ટન બનાવવા અંગે નિશ્ચિત નથી. માનવામાં આવી રહ્યું છે કે, પસંદગીકારો એવા યુવાનને કૅપ્ટનશીપ સોંપવા માંગે છે કે જે ટીમને આગળ લઈ જઈ શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 'બુમરાહ માટે લાંબી ટેસ્ટ સીરિઝ કે પૂરી સિઝન રમવાની સંભાવના ઓછી છે. પસંદગીકારો કદાચ વધુ સ્થિર વિકલ્પ ઇચ્છે છે.'
ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ કૅપ્ટનશીપની રેસમાં આગળ
ટેસ્ટ કૅપ્ટનશીપ માટે સંભવિત દાવેદાર તરીકે ઋષભ પંત અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જયસ્વાલ અને પંત ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પંતે T20 ક્રિકેટમાં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે અને તેણે IPLમાં પણ કૅપ્ટનશીપ કરવાનો અનુભવ છે. જો કે, જયસ્વાલ અંગે આવું કહી શકાતું નથી. જો BCCI યુવા ખેલાડીને જ ટેસ્ટ કૅપ્ટન બનાવવા માંગે છે તો યશસ્વી આ રેસમાં સૌથી આગળ છે.
ગિલ પણ કૅપ્ટનશીપનો સંભવિત દાવેદાર
સૂત્રોએ જણાવ્યું હતું કે, 'ગિલ પણ કૅપ્ટનશીપના સંભવિત દાવેદારમાં સામેલ છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. ઋષભ પંત પણ એક મજબૂત ઉમેદવાર હોઈ શકે છે. કદાચ યશસ્વી જયસ્વાલ જેવા અન્ય યુવા ખેલાડીને આ ભૂમિકા માટે તૈયાર કરી શકાય છે. આ સિવાય કે એલ રાહુલ પણ કૅપ્ટનશીપની દાવેદારીની રેસમાં છે. રાહુલે છેલ્લા 12-15 મહિનામાં સારું પ્રદર્શન કર્યું છે.