કોણ છે સ્વપ્નિલ કુસાલે, જેણે પોતાની પહેલી જ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો
Swapnil Kusale Biography: પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સ્વપ્નિલ કુસાલે(SWAPNIL KUSALE)એ તેની પહેલી જ ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપી દીધો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં આ મેડલ જીત્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે ભારતે ત્રણેય મેડલ શૂટિંગમાં જ જીત્યા છે.
સ્વપ્નિલ કુસાલે પહેલા મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ગેમ્સમાં મેડલ જીત્યા છે. આ સાથે શૂટિંગમાં ભારતનો આ સાતમો ઓલિમ્પિક મેડલ છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ અને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો જ્યારે સરબજોત સિંહે મનુ ભાકર સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતને વધુ એક સફળતા અપાવનારા સ્વપ્નિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસંશા કરીને શુભેચ્છા પાઠવી છે. જોકે સ્વપ્નિલનો ઈતિહાસ કેપ્ટન કૂલ ધોની જેવો જ કઈંક છે અને બંનેમાં ઘણી સામ્યતા છે. આ બંને અલગ-અલગ સ્પોર્ટના ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. તો આવો જાણીએ કોણ છે સ્વપ્નિલ કુસાલે અને ધોની સાથે શું છે ખાસ કનેક્શન ?
કોણ છે સ્વપ્નિલ કુસાલે?
સ્વપ્નિલ કુસાલે મહારાષ્ટ્ર પૂણેનો રહેવાસી છે. સ્વપ્નિલ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. 2012થી તે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. હવે 12 વર્ષની લાંબી રાહ બાદ તેણે ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું છે. તેના પિતા અને ભાઈ શિક્ષક છે અને માતા ગામના સરપંચ છે.
સ્વપ્નિલે 2009માં શૂટિંગ શરૂ કર્યું હતું. પિતાએ તેનું મહારાષ્ટ્રની પ્રાથમિક રમતગમત સંસ્થામાં એડમિશન કરાવ્યું હતુ અને એક વર્ષ પછી, સ્વપ્નિલે શૂટિંગને એક કારકિર્દી તરીકે પસંદ કર્યું. શૂટિંગમાં ઝંપલાવ્યા પછી, સ્વપ્નિલે ક્યારેય પાછું વળીને જોયું નથી અને 2013માં જ તેને લક્ષ્ય સ્પોર્ટ્સ તરફથી સ્પોન્સરશિપ મળી હતી.
મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન
28 વર્ષીય સ્વપ્નિલ માટે અહીં પહોંચવાનો રસ્તો સરળ નહોતો રહ્યો. સ્વપ્નિલ એક સમયે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરતો હતો, તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પાસેથી ઘણી પ્રેરણા લીધી હતી. સ્વપ્નિલ પણ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આઈડલ માને છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ 100થી વધુ વખત જોઈ છે. તેમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટિકિટ કલેક્ટર બનવાથી લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવા સુધીની સફરને આધાર રાખીને પોતાનો ગોલ નિર્ધાર કર્યો હતો. સ્વપ્નિલ પણ 2015થી એક ટિકિટ કલેક્ટર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો: સ્વપ્નિલ કુસાલે ભારતને અપાવ્યો બ્રોન્ઝ, પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં મળ્યો ત્રીજો મેડલ
સ્વપ્નિલે તેનો પહેલો મેડલ 2015 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો. કુવૈતમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં સ્વપ્નિલે 50 મીટર રાઈફલ પ્રોન-3 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી, સ્વપ્નિલે ગગન નારંગ અને ચૈન સિંહ જેવા સ્ટાર શૂટર્સને પાછળ છોડીને 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી. આ સિવાય તેણે તિરુવનંતપુરમમાં 61મી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ પ્રભુત્વ જમાવ્યું અને 50 મીટર રાઈફલ પોઝિશન-3માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સ્વપ્નિલ કુસાલેએ કાહિરામાં આયોજિત 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના પ્રદર્શનના આધારે તેને ભારત માટે ઓલિમ્પિક ક્વોટા મળ્યો. ઓલિમ્પિકમાં ક્વોટા મળ્યા પછી પણ, સ્વપ્નિલે 2022 એશિયન ગેમ્સની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ, 2023 વર્લ્ડ કપમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને બે વ્યક્તિગત સિલ્વર મેડલ જીત્યા હતા.