કોણ છે શતરંજની દુનિયાનો નવો 'શહેનશાહ' ગુકેશ: 17 વર્ષની વયે 40 વર્ષ જૂનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત
Image Source: Twitter
Who is Gukesh: ચેન્નાઈના 17 વર્ષીય ડી ગુકેશે પ્રતિષ્ઠિત કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં બીજા સૌથી ઓછી વયના ખેલાડી તરીકે ભાગ લીધો હતો. જોકે, હવે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં હિકારુ નાકામુરા સામે ડ્રો રમ્યા બાદ તે આ ટુર્નામેન્ટનો સૌથી યુવા વિજેતા બની ગયો છે. એટલું જ નહીં તે વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારો સૌથી ઓછી ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. તે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો અને વિશ્વનાથન આનંદ બાદ આ ટુર્નામેન્ટ જીતનાર બીજો ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
નાકામુરા સામે ડ્રો રમ્યા બાદ તે ટૂર્નામેન્ટ જીતશે તે નિશ્ચિત નહોતું. બધુ જ બિયો કારુઆના અને ઈયાન નેપોમનિયાચ્ચી વચ્ચે ચાલી રહેલી અન્ય મેચ પર નિર્ભર હતું. આ બેમાંથી વિજેતા ખેલાડી ગુકેશ સાથે ટાઈ બ્રેકર રમતે. જો કે, ગુકેશનું નસીબ હતુ. કારણ કે કારુઆના અને નેપોમનિયાચ્ચી ડ્રો રમ્યો અને ગુકેશ નવ પોઈન્ટ સાથે ટોપ પર આવી ગયો અને ટુર્નામેન્ટ પોતાના નામે કરી લીધી.
ગુકેશે અનેક વખત વિશ્વને ચોંકાવ્યું
શતરંજની દુનિયાનો નવો શહેનશાહ 17 વર્ષીય ગુકેશે પોતાના કરિયરમાં ઘણી વખત દુનિયાને ચોંકાવી છે. આટલી નાની ઉંમરમાં તે ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે 12 વર્ષ, સાત મહિના, 17 દિવસની ઉંમરે ભારતનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બની ગયો હતો અને વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટરનો ટેગ માત્ર 17 દિવસથી ચૂકી ગયો હતો. તેણે ગત વર્ષે પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને પાછળ છોડી 36 વર્ષ બાદ પ્રથમ વખત દેશના શીર્ષ રેન્કિંગ ખેલાડી તરીકે પ્રવેશ કર્યો હતો. હવે તેણે આ પ્રભાવશાળી યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી દીધી છે.
કેન્ડીડેટ્સ શતરંજ ટુર્નામેન્ટ જીતવાની સાથે જ ગુકેશ 40 વર્ષ પહેલા મહાન ગેરી કાસ્પારોવ દ્વારા બનાવેલા રેકોર્ડને તોડીને વિશ્વ ખિતાબ માટે સૌથી યુવા ચેલેન્જર બની ગયો છે. રશિયાના પૂર્વ કાસ્પારોવ 22 વર્ષનો હતો ત્યારે તેણે 1984માં હમવતન આનાતોલી કારપોવ સાથે મુકાબલો કરવા માટે ક્વોલિફાય થયો હતો. હવે ગુકેશ આ વર્ષના અંતમાં વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને પડકારશે.
ગુકેશે આવી રીતે કરી તૈયારી
ભારતમાં ઓછી સિદ્ધિ પર જ સ્ટારડમ હાંસલ કરનારા ખેલાડીઓ વચ્ચે ગુકેશની ઓળખ ત્યાં સુધી છુપાયેલી રહી જ્યાં સુધી તેણે પોતાના કરિયરમાં 2500ની રેટિંગ પાર ન કરી લીધી. તે ટેક્નિકલ એન્જિનોથી દૂર રહ્યો અને પોતાની તૈયારી માટે કોમ્પ્યુટરનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો. ગુકેશની આ પદ્ધતિની ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે પણ વખાણ કર્યા હતા.
તેણે એક વખત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગુકેશ આ પ્રકારની વિચારસરણી ધરાવતા વિશ્વના પસંદીદા ખેલાડીઓમાંથી એક છે, જે પોતાની રમતમાં ટોચ પર હોવા છતાં સ્ટાર નહોતો. આ એક ખૂબ જ સ્વસ્થ દ્રૃષ્ટિકોણ છે. મહત્વની વાત એ છે કે તેણે કોઈ સીધો દ્રૃષ્ટિકોણ ન અપનાવ્યો પરંતુ પોતાના ટ્રેનરની મદદ લીધી. ખેલાડીએ રમવાની સ્કિલ પર ધ્યાન આપવું જોઈએ અને ટ્રેનર તેને સૌથી સારી જાણકારી આપી શકે છે.
ગુકેશને વિશ્વસ્તરીય ઓળખ આપનાર વિષ્ણુ પ્રસન્ના પોતે સ્વીકારે છે કે આ એક જોખમી પગલું હતું. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ખૂબ જ સટીક અને શતરંજ માટે પોતાની ખુદની સ્કીલને વિકસિત કરવાનો હતો. જ્યારે તમે કોઈ રમત રમી રહ્યાં હોવ ત્યારે તમે સંપૂર્ણ નશ્ચિત નથી હોતા. પરંતુ જો તમે હંમેશા કોમ્પ્યુટરથી તપાસ કરતા હોવ તો તે તમને સ્પષ્ટ પરિભાષા આપે છે કે ચાલ સારી છે કે ખરાબ. એ મૂંઝવણભરી માનસિકતાને દૂર રાખવા માટે અમે એ પદ્ધતિ અપનાવી. આ એક પ્રયોગ હતો. અમને ખબર ન હતી કે તે કેવી રીતે કામ કરશે. મેં વિચાર્યું કે તે એક ઉપયોગી પ્રયોગ હશે અને કારણ કે તે ક્યારેય સ્થિર ન થયો તેથી અમે તેને ચાલુ રાખ્યો.
2017માં વિષ્ણુ સાથે કામ કરવાનું શરૂ કર્યું
ગુકેશે 2017માં વિષ્ણુ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તે માંડ 11 વર્ષનો હતો. જો કે, તે શરૂઆતના દિવસોમાં વિષ્ણુએ ગુકેશને વર્લ્ડ નંબર વન અને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રેરણા આપી હતી. વિષ્ણુએ જણાવ્યું કે, શરૂઆતમાં અમે વર્લ્ડ ચેમ્પિયન અને નંબર વન બનવાની વાત કરતા હતા. તેની ઉંમર સાડા 10 કે 11 વર્ષની હશે. તે એક શાનદાર એથલીટ છે. અમે ટોચના સ્તરે રમવા જેવી સ્થિતિ વિશે વિચારતા હતા. હું પોતે તેની સાથે આ વાત કરતો હતો કારણ કે તેની મહત્વાકાંક્ષાઓ તે ઉંમરે પણ મારા માટે સ્પષ્ટ હતી.
શતરંજમાં સફળતા માટે ગુકેશનું ઝૂનૂન
વિષ્ણુએ કહ્યું કે ગુકેશ આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચવામાં જે વસ્તુએ યોગદાન આપ્યું તે એ છે કે, પોતાને જોખમોથી ભરેલી પરિસ્થિતિઓમાં રાખવો. કોઈ અનિશ્ચિત પગલું ભરવું. વિષ્ણુએ જણાવ્યું કે, તે ક્યારેય જીમમાં જવાનું, વહેલા ઉઠવા જેવી બાબતોથી ડરતો નહોતો. મને નથી લાગતું કે તેણે આ વસ્તુઓનો આનંદ માણ્યો હોય. તેને પોતાની પ્રાથમિકતાઓ માટે ખૂબ જ સ્પષ્ટતા હતી. આ જ કારણ છે કે તેણે બ્લિટ્ઝ અને રેપિડ જેવા ફોર્મેટને છોડીને ક્લાસિકલ ચેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મોટાભાગે તે ઓવર ધ બોર્ડ ઈવેન્ટમાં ભાગ લેતો હતો. તેણે ઓનલાઈન ટુર્નામેન્ટમાં વધુ ભાગ નથી લીધો. જો તેને વધુ સારું શતરંજ રમવા માટે કોઈ વસ્તુની જરૂર હોય તો જ તે આવું કરે છે. શતરંજમાં સફળતા પ્રત્યે તેનું ઝૂનૂન આ જ છે.
ચેન્નાઈનો રહેવાસી છે ડી ગુકેશ
ડી ગુકેશનું પૂરું નામ ડોમારાજૂ ગુકેશ છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ ચેન્નાઈમાં 7 મે, 2006ના રોજ થયો હતો. ગુકેશના પિતા ડોક્ટર છે જ્યારે તેની માતા વ્યવસાયે માઈક્રોબાયોલોજીસ્ટ છે. ગુકેશે સાત વર્ષની ઉંમરે જ શતરંજ રમવાનું શરૂ કરી દીધુ હતું. તેને શરૂઆતમાં ભાસ્કરે કોચિંગ આપી હતી. ત્યારબાદ વિશ્વનાથન આનંદે પોતે તેને શતરંજની રમત વિશે જાણકારી આપી અને ટ્રેનિંગ આપી.
ગુકેશે 2015માં એશિયન સ્કૂલ શતરંજ ચેમ્પિયનશિપની અંડર-9 કેટેગરીમાં અને અંડર-12 કેટેગરીમાં 2018માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. ગુકેશે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ એશિયન યુથ ચેમ્પિયનશિપ જીતી છે. ગુકેશ 2019માં ચેસ ઈતિહાસમાં બીજો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તેણે સર્ગેઈ કર્જાકિનને અત્યાર સુધીના સૌથી નાની વયના ગ્રાન્ડમાસ્ટર તરીકે લગભગ પાછળ છોડી જ દીધા હતા પરંતુ 17 દિવસ સુધીના રેકોર્ડથી ચૂકી ગયો હતો. આ રેકોર્ડને પાછળથી અભિમન્યુ મિશ્રાએ પાછળ દીધો અને ગુકેશ ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો.
જૂન 2021માં તેણે જુલિયસ બેર ચેલેન્જર્સ ચેસ ટૂર, ગેલફેન્ડ ચેલેન્જ જીતી હતી. તેમાં 19 માંથી 14 પોઈન્ટ મેળવ્યા હતા. ઓગસ્ટ 2022માં ગુકેશે 44મા શતરંજ ઓલિમ્પિયાડની શરૂઆત8/8ના પરફેક્ટ સ્કોર સાથે કરી હતી. તેણે ભારતને આઠમી મેચમાં નંબર વન રેન્ક વાળા અમેરિકાને હરાવવામાં મદદ કરી હતી. સપ્ટેમ્બર 2022માં ગુકેશ 2726ના રેટિંગ સાથે પ્રથમ વખત 2700થી વધુ રેટિંગ પર પહોંચી ગયો હતો. તે વેઈ યી અને અલીરેઝા ફિરોઝા બાદ 2700 રેટિંગ પોઈન્ટ પાસ કરનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો હતો.
વર્ષ 2024માં રચ્યો ઈતિહાસ
ડિસેમ્બર 2023માં FIDE સર્કિટના અંત સાથે ગુકેશ 2024 કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયો. તે બોબી ફિશર અને મેગ્નસ કાર્લસન બાદ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં રમનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો. હવે ગુકેશે 2024 કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતી અને ડીંગ લિરેન સામે 2024ની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ માટે ક્વોલિફાય કર્યું છે. તે અત્યાર સુધીનો સૌથી યુવા ચેલેન્જર બની ગયો છે. તે વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ મેચ રમનાર સૌથી યુવા ખેલાડી હશે. તે ટૂર્નામેન્ટ જીતવા માટે તે પસંદીદા ખેલાડીઓમાંથી એક નહોતો પરંતુ તેણે તેને જીતીને પોતાનો મજબૂત ઈરાદો જાહેર કર્યો.