કોણ છે બૃજભૂષણ શરણ સિંહ, જેના કારણે સાક્ષી મલિકે લીધો સંન્યાસ, જાણો શું છે કુસ્તી વિવાદ
ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે સંજય સિંહ બન્યા
તેના વિરોધમાં સાક્ષી મલિકે કુસ્તીને અલવિદા કહ્યું છે. તેણે રડતા રડતા આ રમતને અલવિદા કહ્યું, તેના આંસુ ઘણા સવાલો ઉભા કર્યા છે
Brij Bhushan Sharan Singh: બૃજભૂષણ શરણ સિંહ પર કેટલીક મહિલા ખેલાડીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને તે પછી બૃજભૂષણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ આ પદ ખાલી થયું હતું અને ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં સંજય સિંહ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 21 ડિસેમ્બરે ચૂંટણી અને પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
સંજય સિંહ ગોંડાના ભાજપ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર છે. તેઓ વારાણસીના રહેવાસી છે તેમજ તેમને કુસ્તીનો ખૂબ જ શોખ છે. તેઓ ચુંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી. કુલ 47 લોકોએ વોટિંગ કર્યું હતું. જેમાંથી સંજય સિંહને 40 વોટ મળ્યા હતા. અનિતાને માત્ર 7 વોટ જ મળ્યા હત. સંજય સિંહ WFIની અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પણ એક ભાગ હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય મહાસંઘના સંયુક્ત સચિવ પણ હતા. બૃજભૂષણના મિત્ર આ ચુંટણી જીતતા ઓલમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
શું છે આખો મામલો ?
ભારતીય રેસલિંગ ફેડરેશન વિવાદને લઈને ચર્ચામાં રહેલા આરોપી બૃજભૂષણ શરણ સિંહે પહેલા જ દાવો કરી દીધો હતો કે સંજય સિંહ ચુંટણી જીતશે. એવામાં સંજય સિંહની જ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે પસંદગી થયા પછી તરત જ, કુસ્તીબાજોએ વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે લડત ચાલુ રહેશે.
બૃજભૂષણ શરણ સિંહ પર દેશના છ મહિલા કુસ્તીબાજો અને એક સગીર કુસ્તીબાજ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાબતે
મહિલા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર બે વખત આંદોલન પણ કર્યા હતા. જાન્યુઆરીમાં અને એપ્રિલ 2023માં, એમ બે વખત બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થયા હતા. બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ હત્યાથી લઈને અંડરવર્લ્ડ લિંક્સ, ગુંડા એક્ટ, ગેંગસ્ટર એક્ટ સહિતની 38 કલમો હેઠળ નોંધાયેલા કેસનો ઉલ્લેખ હતો. જો કે આમાંથી કેટલાક કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર પણ નોંધી છે.
આ દરમિયાન સાક્ષી મલિક ભાવુક થઈ ગઈ અને તેણે કુસ્તી છોડવાની મોટી જાહેરાત કરી હતી. તે જ સમયે, વિનેશ ફોગાટે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, "અમે દરેક રીતે પ્રયાસ કર્યો હતો... સંજય સિંહ, જે આજે પ્રમુખ બન્યા છે, તે બૃજભૂષણના ખુબ જ ખાસ છે, તેઓ તેમના પુત્ર જેવા છે... અમને ખબર નથી કે ન્યાય કેવી રીતે મેળવવો! અમે અમારા મંતવ્યો દરેકને જણાવી દીધા... જે મહિલાઓનું શોષણ કરે છે તેને સીટ પર બેસાડવામાં આવે છે... 2-4 પેઢીઓ શોષણ માટે તૈયાર રહે. અમારે અમારું દુઃખ કોની પાસે વ્યક્ત કરવું જોઈએ... અમે હજુ પણ યુદ્ધ લડી રહ્યા છીએ.
કોણ છે સંજય સિંહ?
મૂળ ચંદૌલીના અને હાલમાં વારાણસીમાં રહેતા ભાજપના નેતા સંજય સિંહ બૃજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર હોવાનું કહેવાય છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ભણેલા સંજય સિંહ 2009માં યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ટીમમાં ઉપપ્રમુખ બન્યા હતા. તેમના દાદા કન્હૈયા સિંહ દર મહાશિવરાત્રિએ બનારસમાં એક મોટુ દંગલ આયોજિત કરતા હતા. તેમજ તેમના પરિવાર દ્વારા મંગળા રાય જેવા ઘણા રેસલર્સને પ્રમોટ કરવામાં આવ્યા છે. તેમને નાનપણથી જ કુસ્તી પસંદ હોવાથી તેઓ આગળ જતા બનારસ રેસલિંગ એસોસિએશનના પહેલા પ્રમુખ બન્યા હતા તેમજ બનારસમાં મેટ રેસલિંગની શરૂઆત કરવાનો શ્રેય તેમને જાય છે.
છેલ્લા એક વર્ષથી મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણને લઈને વિવાદોમાં ઘેરાયેલા બૃજભૂષણ શરણ સિંહનું સ્થાન લેનાર સંજય સિંહે કુસ્તીબાજો માટે રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવાની વાત કરી હતી. દિલ્હીમાં તેમના સમર્થકો દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં સંજય સિંહે કહ્યું, 'કુસ્તીબાજો માટે ટૂંક સમયમાં રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવશે. જે પણ કુસ્તીબાજ રાજનીતિ કરવા માંગે છે તે રાજનીતિ કરી શકે છે, જે કુસ્તી કરવા માંગે છે તેમને તેના માટે સંપૂર્ણ તક આપવામાં આવશે'.
કોણ છે બૃજભૂષણ શરણ સિંહ?
બૃજભૂષણ શરણ સિંહ 2011 થી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ હતા આ ઉપરાંત તે ઉત્તર પ્રદેશના કૈસરગંજના બીજેપી સાંસદ પણ છે. બૃજભૂષણ શરણ સિંહે 1980ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગોંડા, કૈસરગંજ અને બલરામપુર લોકસભા સીટ પરથી છ વખત સાંસદ બનેલા હતા. પ્રખર હિંદુત્વ કાર્યકર્તા બૃજભૂષણે અયોધ્યામાં રામ મંદિર આંદોલન દરમિયાન ઘણી ખ્યાતિ મેળવી હતી. બાબરી ધ્વંસ કેસમાં આરોપી એવા 40 નેતાઓની યાદીમાં બૃજભૂષણ શરણ સિંહનું નામ પણ સામેલ હતું, જેમને 2020માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
બૃજભૂષણે 1991માં પ્રથમ વખત 10મી લોકસભાની ચૂંટણી લડી હતી. તે પછી ફરીથી તેઓ 1999, 2004, 2009, 2014 અને 2019માં સતત પાંચ વખત લોકસભામાં ચૂંટાયા. તેમણે સમાજવાદી પાર્ટી સાથેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન પણ જીત મેળવી હતી. તેઓ લોકસભા ચૂંટણી 2014 પહેલા ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ 2014 અને 2019માં લોકસભામાં ચૂંટાયા.
અગાઉના આંદોલનોના કારણે લેવાયા હતા આ પગલા
દેશમાં ચર્ચિત મહિલા કુસ્તીબાજ અને બૃજભૂષણ શરણ સિંહનો વિવાદ ઉકેલવા માટે સરકારે મહિલા કુસ્તીબાજોને વચન આપ્યું હતું કે બૃજભૂષણ અને તેમના પરિવારના સભ્યોને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેથી બૃજભૂષણના પુત્ર પ્રતીક ભૂષણ સિંહ અને જમાઈ વિશાલ સિંહને આ ચૂંટણીથી દૂર રહેવું પડ્યું હતું. પરતું હાલ બૃજભૂષણ પર આરોપ છે કે તેણે તેના ખાસ સહયોગી સંજય સિંહને રેસલિંગ એસોસિએશનની ચૂંટણી લડવામાં અને તેને જીતવામાં મદદ કરી હતી. આ ચુંટણી પ્રક્રિયા આ વર્ષે જુલાઈ મહિનામાં શરુ થઇ હતી. પરતું ઘણા કારણોસર ચૂંટણીમાં સતત વિલંબ થતો રહ્યો. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને ફગાવીને ચૂંટણી યોજવાની મંજૂરી આપી હતી. આ પછી હાથ ધરાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે સાંજે આવ્યા.