જબરદસ્ત બોલિંગ! T20 મેચની ચાર ઓવરમાં એકપણ રન ન આપ્યો, કોણ છે આયુષ શુક્લા
Image: Facebook
T20 World Cup Asia Qualifier 2024: ટી20 ક્રિકેટ મેચમાં એકવાર ફરીથી બોલિંગનો કહેર જોવા મળ્યો છે. આ વખતે આ કહેર હોંગકોંગના ઝડપી બોલર આયુષ શુક્લાએ વરસાવ્યો છે. આયુષ શુક્લાએ શનિવારે મંગોલિયા વિરુદ્ધ રમેલી ટી20 મેચમાં પોતાની તમામ ચાર ઓવરો મેડન ફેંકી છે. આવું કરનાર તે પહેલો એશિયાઈ બોલર બની ગયો છે.
આયુષ શુક્લાથી પહેલા આવું કારનામું કેનેડાના સાદ બિન જફર, ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યૂસને જ કર્યું છે. આયુષ શુક્લાની આ જોખમી બોલિંગથી વિપક્ષી ટીમ મંગોલિયાની બેટિંગ ધરાશાયી થઈ ગઈ. આ મેચને હોંગકોંગે રેકોર્ડ ગણાવતાં પોતાના નામે કરી દીધી.
14.2 ઓવરમાં 17 રન જ બનાવી શકી મંગોલિયા
હોંગકોંગ અને મંગોલિયાની વચ્ચે ટી20 વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ રમાઈ રહી હતી. આ મેચમાં હોંગકોંગની ટીમે ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ માટે ઉતરેલી મંગોલિયાની શરૂઆત જ ખૂબ ખરાબ રહી. ટીમે 0 રન પર જ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ 12 રનના સ્કોર પર અડધા બેટ્સમેન પવેલિયન તરફ પરત ફરી ચૂક્યા હતાં. 17 રનના સ્કોર પર સમગ્ર ટીમે પોતાની વિકેટ ગુમાવી દીધી.
દસનો આંકડો પણ ન સ્પર્શી શક્યા બેટ્સમેન
મેચમાં મંગોલિયાનો કોઈ પણ બેટ્સમેન દસનો આંકડો પણ સ્પર્શી શક્યો નહીં. ટીમ તરફથી મોહન વિવેકાનંદને 18 બોલ રમીને સર્વોચ્ચ 5 રન બનાવ્યા. 4 બેટ્સમેન 0 અને 3 બેટ્સમેન 2-2 રન બનાવીને આઉટ થયા. હોંગકોંગ તરફથી એહસાન ખાને 3 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ અને યાસિમ મુર્તજાએ 1.2 ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ મેળવી.
આયુષ શુક્લાએ રચ્યો ઈતિહાસ
હોંગકોંગના ઝડપી બોલર આયુષ શુક્લાએ 4 ઓવર ફેંકી અને આ ચારેય ઓવર તેણે મેડન નાખી. તેણે આ સ્પેલ દરમિયાન 1 વિકેટ પણ લીધી. આ વિકેટ તેણે મંગોલિયાના બેટ્સમેન બટ યલાયિત નમસરાયની લીધી. સૌથી પહેલા 4 ઓવરની પૂરી સ્પેલ મેડન કેનેડાના સાદ બિન જફરે નાખી હતી. તેણે 2021માં પનામા વિરુદ્ધ આ કારનામુ કર્યું હતું. બીજી વખત આ કારનામું ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યૂસને કર્યું, જેણે તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 4 ઓવરમાં તમામ મેડન ઓવર કરી હતી. આ દરમિયાન તેણે 3 વિકેટ પણ લીધી હતી.
ભારત વિરુદ્ધ પણ પોતાનો દમ બતાવી ચૂક્યો છે આયુષ
આયુષ શુક્લાએ હોંગકોંગ માટે અત્યાર સુધી 34 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 8.62 ની ઈકોનોમીથી 29 વિકેટ લીધી છે. આ પહેલા તેનું સૌથી સારું પ્રદર્શન કંબોડિયા વિરુદ્ધ હતું. કંબોડિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં આયુષે 3-1-3-1 ની બોલિંગ કરી હતી. એશિયા કપ-2022માં આયુષ શુક્લાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની પણ વિકેટ લીધી હતી.
મેચનું પરિણામ શું રહ્યું?
મેચમાં મંગોલિયાએ 14.3 ઓવરમાં કુલ 17 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં હોંગકોંગની ટીમે લગભગ 1.4 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી. હોંગકોંગની તરફથી બેટ્સમેન જીશાન અલીએ 6 બોલ પર 15 રન બનાવીને ટીમને જીત અપાવી દીધી. ટીમે આ લક્ષ્યને પ્રાપ્ત કરતાં પોતાની એક વિકેટ પણ ગુમાવી દીધી.