ચેન્નઈ સુપર કિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ 17 વર્ષના ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે આયુષ મ્હાત્રે
Who Is Ayush Mhatre : કોણીની ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયેલા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ હવે મુંબઈના ઓપનર બેટ્સમેન આયુષ મ્હાત્રેને પોતાની ટીમમાં સામેલ કરવાની તૈયારીમાં છે. 17 વર્ષીય મ્હાત્રેને બે અઠવાડિયા પહેલા CSK દ્વારા નેટમાં તેની બેટિંગ પારખવા માટે ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો અને ગાયકવાડની ઈજા બાદ તેણે આ યુવા ખેલાડીને ટીમમાં લેવાનો નિર્ણય લીધો છે. મ્હાત્રેએ મુંબઈ માટે 9 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે. તેણે 7 લિસ્ટ A રમતોમાં મુંબઈનું પ્રતિનિધિત્વ પણ કર્યું, જેમાં નાગાલેન્ડ સામે તેનો હાઈએસ્ટ સ્કોર 181 અને વિજય હજારે ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્ર સામે 148 રન છે. એક અહેવાલ પ્રમાણે તે ટૂંક સમયમાં CSK ટીમમાં સામેલ થશે, જોકે એ સ્પષ્ટ નથી કે તેને તરત ટીમમાં રમવાની તક મળશે કે નહીં.
આયુષ મ્હાત્રેએ સખત મહેનત કરી છે
મ્હાત્રેએ ગત વર્ષે ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મુંબઈ રણજી ટ્રોફી ટીમ માટે ઓપનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. શહેરના ઘણા ક્રિકેટરોની જેમ તેણે પણ સખત મહેનત કરી છે. તે સવારે 4:15 વાગ્યે ઉઠી જતો, અને પ્રેક્ટિસ માટે વિરારથી 5:00 વાગ્યાની ટ્રેન પકડીને ઓવલ ગ્રાઉન્ડ પહોંચતો હતો. તમને જણાવી દઈએ કે, તેનું ઘર મુંબઈ શહેરથી 46 કિલોમીટર દૂર છે.
તેની આક્રમક બેટિંગ શૈલીએ સિલેક્ટર્સને તેને શક્ય તેટલી ઝડપથી સિનિયર ટીમમાં લાવવા માટે મજબૂર કર્યા. જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તેમની સ્થાનિક ટીમ વિરાર-સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબે તેને તેમની સિનિયર ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યાં તે મોટા ખેલાડીઓનો સામનો સરળતાથી કરતો હતો. તેના દાદા એક નિવૃત્ત રેલવે કર્મચારી હતા તેઓ તેને દરરોજ મુંબઈના મેદાન સુધી છોડવા આવતા હતા.
આ પણ વાંચો: VIDEO : બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં ચકમક, રોહિત શર્માનું રિએક્શન વાઈરલ
6 વર્ષની ઉંમરમાં જ રમવાનું શરૂ કરી દીધુ હતું
મ્હાત્રેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મેં 6 વર્ષની ઉંમરમાં જ રમવાનું શરૂ કરી દીધુ હતું, પરંતુ મારું અસલી ક્રિકેટ 10 વર્ષની ઉંમરે શરૂ થયું હતું. મને માટુંગાની ડોન બોસ્કો હાઈ સ્કૂલમાં પ્રવેશ મળ્યો અને મારા દાદા લક્ષ્મીકાંત નાઈકે મને દરરોજ ત્યાં લઈ જવાની જવાબદારી લીધી. તેથી સવારે હું માટુંગામાં પ્રેક્ટિસ માટે જતો, શાળાએ જતો અને પછી ચર્ચગેટ બીજી પ્રેક્ટિસ માટે જતો. મારો પરિવાર મારા દાદાને કહેતો કે મારી ઊંઘ ખરાબ ન કરો, પરંતુ હવે તેમને પણ લાગે છે કે મારું બલિદાન રંગ લાવી રહ્યું છે.'
તેમના પિતા યોગેશ એક વખત નોકરી ગુમાવી ચૂક્યા હતા અને આયુષ આ તમામ બાબતો છતાં તેમના સમર્થન બદલ આભારી છે. તેણે કહ્યું કે, 'મારા પિતા અને માતાએ મને ક્યારેય એવું અનુભવવા દીધું નહીં કે ઘરમાં કોઈ આર્થિક સમસ્યા છે. જેમ કે જો બેટ તૂટી જાય, તો હું નવું નથી માગતો. આજે પણ મારા પિતા મારી સાથે લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે જેથી જો કોઈની સાથે શાબ્દિક ઝઘડો થાય તો તેઓ તેને સંભાળી લે, જેથી બેટિંગ કરતી વખતે હું મારી અંદર કોઈ નકારાત્મકતા ન રાખું.'