કોણ છે આકાશ દીપ? જેની ટીમ ઈન્ડિયામાં થઈ સરપ્રાઈઝ એન્ટ્રી, અંગ્રેજ ખેલાડીઓ સામે કરી હતી કમાલ
વર્ષ 2022માં RCBએ આકાશ દીપને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો
Image: Social Media |
IND vs ENG 3rd Test, Akash Deep : BCCIએ ઇંગ્લેન્ડ સામેની બાકી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં પ્રથમ વખત ફાસ્ટ બોલર આકાશ દીપને સામેલ કરવામાં આવ્યો છે. બિહારમાં જન્મેલો આકાશ દીપ બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેને આવેશ ખાનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 27 વર્ષીય આકાશ દીપને ટેસ્ટ ડેબ્યૂની તક મળી શકે છે.
શાનદાર બોલિંગથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા
આકાશ દીપને આ પહેલા પણ માર્યાદિત ઓવર માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને એશિયન ગેમ્સ અને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો ન હતો. આકાશ દીપે તાજેતરમાં ભારત-A તરફથી રમતા ઇંગ્લેન્ડ લાયન્સ સામે 3 મેચની અન-ઓફિશિયલ ટેસ્ટ સીરિઝમાં પોતાની શાનદાર બોલિંગથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા.
IPLમાં RCBનો ભાગ રહી ચૂક્યો છે આકાશ દીપ
આકાશ દીપ ઇંગ્લેન્ડ લાયન્સ સામે 3 મેચની અન-ઓફિશિયલ ટેસ્ટ સીરિઝમાં ભારત-A માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 13 વિકેટ ઝડપી હતી, જેમાં 4 વિકેટ હોલ પણ સામેલ છે. આકાશ દીપ IPLમાં RCBનો ભાગ રહી ચૂક્યો છે. વર્ષ 2022માં RCBએ તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે IPLની 7 મેચોમાં 6 વિકેટ ઝડપી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટિંગ કરિયર
આકાશ દીપે વર્ષ 2019માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 29 મેચમાં 103 વિકેટ લીધી છે. તે બંગાળની ટીમમાં નિયમિત બોલર રહ્યો છે અને સતત વિકેટ લેતો રહ્યો છે. આકાશ દીપ નીચલા ક્રમમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતો છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 32 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 28 લિસ્ટ-A મેચમાં 42 વિકેટ ઝડપી છે.