જ્યાં દ્રવિડની કેપ્ટનશીપમાં થઈ હતી હાર, 17 વર્ષ બાદ ત્યાં જ ટ્રોફી જીતાડી કોચ તરીકે લેશે વિદાય!

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
જ્યાં દ્રવિડની કેપ્ટનશીપમાં થઈ હતી હાર, 17 વર્ષ બાદ ત્યાં જ ટ્રોફી જીતાડી કોચ તરીકે લેશે વિદાય! 1 - image


T20 World Cup 2024 Final Match: રોહિત શર્મા અને તેની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ઈતિહાસમાં પોતાનું નામ હંમેશા માટે લખાવવાની ખૂબ નજીક છે. માત્ર થોડા કલાકોની વાત છે અને પછી આ ટીમ તે કામ કરી શકે છે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 11 વર્ષથી માત્ર ભારતીય ક્રિકેટ ટીમ કે BCCI જ નહીં પરંતુ 130 કરોડથી વધુ લોકો ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રતીક્ષાનો આજે ભારતથી હજારો માઈલ દૂર બાર્બાડોસના બ્રિજટાઉન શહેરના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં અંત આવી શકે છે. આમ તો બધા માટે આ પ્રતીક્ષા 11 વર્ષની જ છે પરંતુ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ માટે આ પ્રતીક્ષા 17 વર્ષ લાંબી છે અને ટીમ ઈન્ડિયા સાથેના પોતાના છેલ્લા દિવસે તે તેને સમાપ્ત કરવાની સાથે જ વર્ષો જૂના ડાઘને પણ ધોઈ શકે છે.

લગભગ અઢી વર્ષ પહેલા રાહુલ દ્રવિડની ફરીથી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી થઈ હતી. 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના 10 વર્ષ બાદ 2021માં દ્રવિડ ફરીથી અહીં પરત ફર્યો હતો અને આ વખતે તેના પર ટીમને ચેમ્પિયન બનાવવાની અપેક્ષાઓનો ભાર હતો. છેલ્લા એક વર્ષમાં તે બે વખત તેની નજીક પહોંચ્યો હતો પરંતુ બંને વખત તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ ઓસ્ટ્રેલિયા જેણે 21 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં ખિતાબ જીતવાથી રોકી હતી, જ્યારે દ્રવિડ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. કદાચ નિયતિને એ મંજૂર નહોતું કે, તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે ODI વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયાની પ્રતીક્ષાનો અંત લાવે.

શું આ વખતે મળશે કિસ્મતનો સાથ?

ODI વર્લ્ડ કપ 2023ના અંત સાથે ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો પરંતુ BCCIએ તેને T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવી દીધો હતો. ત્યારે વર્લ્ડ કપ પહેલા દ્રવિડે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ વર્લ્ડ કપ સાથે જ પોતાની સફર સમાપ્ત કરશે. હવે ભાગ્યનો ખેલ જુઓ કે ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની છેલ્લી સફર એ જ મેદાન પર સમાપ્ત થશે જ્યાં 17 વર્ષ પહેલા તેની કેપ્ટનશીપની અંત આવ્યો હતો, તે પણ તૂટેલા હૃદય અને ઊંડા ડાઘ સાથે.

વર્લ્ડ કપ 2007માં રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ ચાહકો તે વર્લ્ડ કપને ક્યારેય ભૂલી ન શકે કારણ કે તેણે તેમના દિલ અને દિમાગને ખૂબ જ ઠેસ પહોંચાડી હતી. ગ્રુપ સ્ટેજમાં જ ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાર ક્રિકેટરોના ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની વિરુદ્ધ રસ્તાઓ પર સરઘસ કાઢવામાં આવ્યા હતા. આ હાર ચાહકો માટે દુઃખદાયક હતી પરંતુ ખેલાડીઓ માટે હારના દર્દની સાથે ચાહકોનું આ પ્રકારનું વર્તન પણ દુ:ખદાયક હતું.

હવે થશે દ્રવિડનું હેપ્પી એન્ડિંગ?

દ્રવિડે ત્યારબાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડી દીધી હતી અને પછી પહેલા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ હિસ્સો નહોતો. આટલું બધું જોયા પછી અને મિસ કર્યા બાદ પણ જો દ્રવિડનું નસીબ ફરી એકવાર તેને વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા સાથેની સફર સમાપ્ત કરવાની તક આપે છે તો કંઈક સારું જ લખાયું હશે, કમ સે કમ આવી આશા તો દરેકને હશે. એટલા માટે કેન્સિંગ્ટન ઓવલમાં 29મી જૂનની તારીખ જેટલી ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે છે કદાચ રાહુલ દ્રવિડ માટે તેનાથી વધુ ખાસ છે. તેઓ 17 વર્ષ જૂના દુ:ખને હંમેશ માટે પાછળ છોડીને ખુશીથી આગળ વધી શકે છે. 


Google NewsGoogle News