'તે મારૂ કરિયર ખતમ કરી દીધું', વિરાટ કોહલી પર ભડકી ઉઠ્યો હતો ઝહીર ખાન, જાણો શું હતો મામલો?
Zaheer Khan: IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સના કોચ ઝહીર ખાન હાલમાં જ પિતા બન્યો છે. ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને તેની પત્ની સાગરિકાએ પોતાના પુત્રનું અત્યંત યુનિક ફતેહસિંહ ખાન રાખ્યું છે. ઝહીર ખાન પોતાના સમયનો સફળ બોલર રહ્યો છે. આજે તેના કારકિર્દીનો એક કિસ્સો યાદ કરીએ, જેમાં તે વિરાટ કોહલી પર ભડકી ઉઠ્યો હતો, અને ગુસ્સામાં તેના પર પોતાની કારકિર્દી ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ એક ટેસ્ટ સીરિઝ દરમિયાન ઈશાંત શર્મા અને ઝહીર ખાને જિઓ સિનેમા સાથે વાતચીત કરતાં પોતાનો આ કિસ્સો વર્ણવ્યો હતો કે, કેવી રીતે ઝાહીર ખાને કોહલી પર ગુસ્સો કર્યો હતો.
2014નો કિસ્સો
2014માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં એક કિસ્સો બન્યો હતો. જેમાં બ્રેન્ડન મેકુલમે ભારત વિરૂદ્ધ ત્રણસો રન ફટકાર્યા હતા. આ મેચમાં વિરાટ કોહલીએ મેકુલમનો કેચ છોડ્યા બાદ તે સળંગ ત્રણ દિવસ સુધી બેટિંગ પર અણનમ રહ્યો હતો. ઈશાંત શર્માએ જણાવ્યું હતું કે, અમે ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. ત્યારે વિરાટ કોહલીએ ઝહીર ખાનના બોલ પર બ્રેન્ડન મેકુલમનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ લંચ સમયે કોહલીએ ઝહીરને સોરી કહ્યું હતું. પરંતુ ઝહીરે કહ્યું કે, કઈ વાંધો નથી. આપણે તેને આઉટ કરી દઈશું. પણ મેકુલમ રમતો રહ્યો, તો ટી બ્રેકમાં પણ કોહલીએ ઝહીર પાસે માફી માગી હતી. ઝહીરે ફરી કહ્યું, ચિંતા ન કર. પરંતુ મેકુલમ સળંગ ત્રીજા દિવસે રમતો રહ્યો. ત્રીજા દિવસે મેચમાં ટી બ્રેક પર વિરાટ કોહલીએ ફરી ઝહીર પાસે આવી વસવસો કર્યો હતો. તો ખાન નારાજ થઈ ગયો અને ભડકી ઉઠ્યો હતો કે, તે મારૂ કરિયર ખતમ કરી દીધું.
ઝહીરે આપી સ્પષ્ટતા
ઝહીરે આ મામલે સ્પષ્ટતા આપી કે, મે આ રીતે નહોતુ કહ્યું. મેં કહ્યું હતું કે, માત્ર બે ખેલાડી એવા રહ્યા છે, પહેલાં કિરણ મોરે, જેમણે ગ્રાહમ ગૂચનો કેચ છોડ્યો હતો અને તેણે 300 રન ફટકારી દીધા. ત્યારબાદ કોહલી એક હતો, તેણે મેકુલમનો કેચ છોડ્યો અને તેણે 300 રન માર્યા. જેથી વિરાટે આવેશમાં આવીને મને આ રીતે વાત ન કરવા કહ્યું હતું. કોહલીને આ વાત પસંદ ન આવી હતી, તેના કારણે કેચ છૂટ્યા બાદ રનનો વરસાદ થયો હતો. આ ઘટના વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ટેસ્ટ દરમિયાન ઘટી હતી. તે સીરીઝની બીજી ટેસ્ટ મેચ હતી. ઝહીર ખાનની કારકિર્દી માટે આ અંતિમ ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. જો કે, તેણે આ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ઈશાંત-ઝહીરની સફળ જોડી
ઉલ્લેખનીય છે, ઝહીર ખાન અને ઈશાંત શર્માની ફાસ્ટ બોલિંગની જોડી અત્યંત સફળ રહી હતી. બંનેએ સાથે મળી ટીમ ઈન્ડિયાને અનેક જીત અપાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઝહીર અને ઈશાંતની જોડીએ 311 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્મા ડિસેમ્બર, 2021થી ભારત માટે કોઈ મેચ રમ્યો નથી. જો કે, તેણે અત્યારસુધી સંન્યાસની જાહેરાત કરી નથી.