બાર્બાડોસમાં 130 કિમીની ઝડપે ફૂંકાશે પવન, એરપોર્ટ બંધ, ક્યારે થશે ટીમ ઈન્ડિયાની વાપસી?
T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમે બાર્બાડોસમાં તોફાની ઇનિંગ્સ રમીને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. તો હવે ત્યાં ચક્રવાતી તોફાનને લઈને ચેતવણી આપવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શું T20 વર્લ્ડ ચેમ્પિયન વિજેતા આપણા હીરો ત્યા ફસાઈ જશે? મળતી માહિતી પ્રમાણે પ્રાદેશિક હવામાન કેન્દ્રે કહ્યું કે, હાલમાં બેરીલથી બાર્બાડોસમાં ભારે પવન સાથે તોફાન ચાલી રહ્યું છે. તેથી બાર્બાડોસમાં બેરીલ વાવાઝોડાની ઈફેક્ટને લીધે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
મંગળવાર સુધી બાર્બાડોસથી બહાર નીકળવાની સંભાવના નહીં
હવામાન વિભાગના આંકડા પ્રમાણે બેરીલને કારણે રોહિત શર્મા અને તેની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ મંગળવારની સવાર (ભારતીય સમય) પહેલા કેરેબિયન ટાપુ બાર્બાડોસથી બહાર આવી શકે તેવી કોઈ સંભાવના નથી. યુએસ નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, "બેરીલ એ એક મોટું અને ભયાનક કહી શકાય તેવુ ત્રીજી કેટેગરીનું વાવાઝોડું છે. જે 1 જુલાઈના રોજ લગભગ 2 વાગ્યે (IST) બાર્બાડોસથી આશરે 180 કિલોમીટર દક્ષિણમાં હતું અને તેની પવનની ઝડપ 195 કિમી પ્રતિ કલાક હતી.
પૂર અને ભારે વરસાદની પણ સંભાવના
આ ઉપરાંત બેરીલ તોફાનને કારણે બાર્બાડોસમાં પૂર અને ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12 કલાકમાં તે ફરીથી 215 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે કેટેગરી 3નું વાવાઝોડું બદલાઈ જશે. જો કે, આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે, ત્યાં સુધી બાર્બાડોસ તેની અસરથી બહાર આવી જશે.
ક્યાં સુધી અટવાઈ રહેશે ટીમ?
હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે. બાર્બાડોસમાંથી બહાર નીકળવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારે સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં દેશમાં પહોંચી શકે છે.