NASA Video: સ્પેસમાં યોજાઈ અનોખી ઓલિમ્પિક; ઝીરો ગ્રેવિટીમાં ગોળા ફેંકથી લઈ વેઈટ લિફ્ટિંગ સુધીની ગેમ્સ રમ્યા અવકાશયાત્રીઓ
Image: Nasa Twitter
Olympics in Space: આજકાલ દુનિયાભરમાં ઓલિમ્પિક્સનો ફીવર છે. પેરિસમાં આયોજિત આ ગ્લોબલ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં વિશ્વભરના એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જોકે ઓલિમ્પિક્સનો એક નવો નજારો સ્પેસમાં પણ જોવા મળ્યો છે. અવકાશમાં પણ ઓલિમ્પિક્સ ગેમ્સ રમાઈ રહી હોય તેવો એક વીડિયો નાસાએ શેર કર્યો છે.
આ વીડિયોમાં અંતરિક્ષયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિવિધ પ્રકારની ગેમ રમતા જોવા મળી રહ્યાં છે. કોઈ અવકાશયાત્રીઓ રેસ લગાવી રહ્યાં છે તો કોઈ ગોળાફેંક રમી રહ્યું છે. એટલું જ નહીં, ગેમ્સ પહેલા તમામ અવકાશયાત્રીઓ મશાલ પણ પાસ-ઓન કરી રહ્યાં છે. નાસાએ રજૂ કરેલા વીડિયોમાં સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સ પણ ગેમ્સ રમતા નજરે પડી રહ્યાં છે.
નાસાએ એક્સ પર વીડિયો પોસ્ટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રીઓ ઝીરો ગ્રેવિટી(ગુરુત્વાકર્ષણ)માં મશાલ લઈને જતા જોવા મળે છે. ત્યારબાદ અવકાશયાત્રીઓ વેઈટ લિફ્ટિંગ, શોટ પુટ અને રનિંગ જેવી ઈવેન્ટ્સની ખૂબ જ સારી રીતે નકલ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુનિયા વિલિયમ્સ જિમ્નાસ્ટિક રમી રહી છે
આ વીડિયો પર લોકોએ અલગ-અલગ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ઓલિમ્પિક વાઇબ્સની આ સૌથી સારી લાગણી છે. અન્ય યુઝરે લખ્યું કે આ ટેક્નોલોજીની દુનિયા છે. મહત્વની વાત એ છે કે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણની વચ્ચે પોતાને સ્થિર રાખવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓ જે રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રમતગમતનું પ્રદર્શન કરી રહ્યાં છે તે ખૂબ જ ચોંકાવનારું છે.
આ પણ વાંચો: 34 વર્ષ બાદ ભારતમાં યોજાશે એશિયા કપ, 2027નો યજમાન દેશ પણ જાહેર