આંખમાં આંસુ હતા...', ધોનીએ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી ત્યારે કેવો હતો ડ્રેસિંગ રૂમનો માહોલ?
MS Dhoni left captaincy: ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી. જેણે માત્ર ચાહકોને જ નહીં પરંતુ ઘણા ભૂતપૂર્વ દિગ્ગજોને પણ આંચકો લાગ્યો હતો. આ બાબતે CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની કેપ્ટન્સી છોડવા પર કહ્યું કે અમને આ પહેલાથી જ ખબર હતી. અમે નવા લીડર તૈયાર કરી રહ્યા છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો જરૂરી હતો.
ધોનીની આંખોમાં આંસુ હતા
ફ્લેમિંગે કહ્યું, "ધોનીની આંખોમાં આંસુ હતા, બધુ જ થંભી ગયું હતું, ડ્રેસિંગ રૂમમાં ઘણી લાગણીઓ હતી.. બધા જ લોકો ભાવુક હતા." આ સિવાય વધુમાં તેમણે કહ્યું કે, "આ ભાવુક પળો પછી, બધાએ ઋતુરાજને અભિનંદન પાઠવ્યા. અમને પૂરી આશા છે કે ઋતુરાજ ધોનીના આ મજબૂત વારસાને આગળ વધારવામાં સફળ રહેશે. જ્યારે ધોનીએ પહેલી વાર વર્ષ 2022માં કેપ્ટન્સી છોડી ત્યારે તે સમયે અમે તૈયાર નહોતા, પરંતુ આ વખતે અમને આ વસ્તુઓ પહેલેથી જ ખબર હતી."
ધોનીની કેપ્ટનસીમાં CSK પાંચ વાર ચેમ્પિયન બન્યું
ધોનીએ 2022માં પહેલીવાર CSKની કેપ્ટન્સી છોડી હતી અને તેની જગ્યાએ જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ જાડેજા કેપ્ટન તરીકે સફળ રહ્યો ન હતો, ત્યારબાદ ધોનીએ સિઝનના મધ્યમાં ફરીથી કેપ્ટનશીપ સંભાળી હતી. તે જ સમયે, ધોનીની કપ્તાનીમાં, CSK વર્ષ 2023 માં ફરીથી ચેમ્પિયન બન્યું. માહીએ CSKને 5 વખત IPL ખિતાબ અપાવ્યો છે. હવે ગાયકવાડની કપ્તાની હેઠળ CSK આ સિઝનમાં કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહ્યું.